

HD ન્યુઝ ડેસ્કઃ જાપાનના હિરોશિમામાં G7 બેઠક ચાલી રહી છે. આમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જાપાન ગયા છે, જ્યાં તેઓ ક્વાડ ગ્રૂપના રાજનેતાઓને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ પીએમ મોદીને મળ્યા બાદ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે જાપાનમાં મેં ભારતના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. મેં તેમને યુક્રેનિયન પીસ ફોર્મ્યુલા પહેલ વિશે વિગતવાર માહિતી આપી. આ કાર્યમાં ભાગ લેવા માટે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે.
યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણઃ વોલોડિમિર ઝેલેન્સકીએ પીએમ મોદીને યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. આ સમયે, યુક્રેન રશિયન સેનાના હુમલાનો સામનો કરી રહ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદીને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ યુક્રેનને માનવતાવાદી સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધે અનેક પ્રકારની કટોકટી અને વેદનાઓ લાવ્યાં, જેમાં બેઘર થયેલાં બાળકો, માઇનફિલ્ડ્સ, નાશ પામેલાં શહેરોનો સમાવેશ થાય છે.