શું વીમા પૉલિસી સમજાતી નથી? તો હવે વીમાધારકોના લાભમાં થશે આવા ફેરફાર
નવી દિલ્હીઃ વીમા કંપનીઓએ પૉલિસીધારકોને હવે 1 જાન્યુઆરી 2024થી નિયત કરાયેલા ફોર્મેટમાં પૉલિસીને લગતી તમામ માહિતી આપવી પડશે. જેને લઈ હેલ્થ ઈન્સ્યોરન્સમાં મોટો ફેરફાર કરાયો છે. આ ફેરફાર હેઠળ પૉલિસીમાં આવરી લેવામાં આવતી રકમથી લઈને ખર્ચ સુધી તમામ પાસાઓનો ઉલ્લેખ એક જ જગ્યાએ એ પણ સરળ ભાષમાં જણાવવાના રહેશે. આ માટે ઇન્સ્યોરન્સ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ વીમાધારક માટે ખરીદેલી પૉલિસીની મૂળભૂત બાબતોને સરળ બનાવવા માટે ગ્રાહક માહિતી પત્રક એટલે કે Customer Information Sheet (CIS)માં કેટલાક ફેરફાર કર્યા છે.
CISમાં આ બાબતો જણાવવી જરૂરી
પૉલિસી સંબંધિત મુદ્દાઓ પર વીમા કંપની અને પૉલિસીધારક વચ્ચેની ગેરસમજને કારણે ઘણી ફરિયાદો હજુ પણ આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને સુધારેલી CIS જારી કરવામાં આવી છે. આમાં, વીમા કંપનીઓએ પૉલિસીનું નામ, પૉલિસી નંબર, પૉલિસીનો પ્રકાર અને વીમાની રકમ જાહેર કરવી પડશે. પૉલિસીધારકોને પૉલિસીમાં સમાવિષ્ટ ખર્ચ, બાકાત, કવરેજ મર્યાદા, દાવાની પ્રક્રિયા વિશે પણ જાણ કરવામાં આવશે.
IRDA એ એમ પણ કહ્યું છે કે વીમા કંપનીઓ, મધ્યસ્થીઓ અને એજન્ટોએ તમામ પોલિસીધારકોને ફિઝિકલી અથવા ડિજિટલ રીતે, દસ્તાવેજની ખાતરી કરીને અપડેટ કરેલી CISનું વિતરણ કરવું પડશે. જો કોઈ પોલિસીધારક ઈચ્છા વ્યક્ત કરે અથવા માગણી કરે તો તેને તેની સ્થાનિક ભાષામાં પણ CIS આપવાનું રહેશે.
વીમામાં CIS શું છે?
ગ્રાહક માહિતીપત્રક એટલે કે CIS એ પૉલિસી દસ્તાવેજ છે જેમાં પૉલિસીના તમામ મુખ્ય મુદ્દા સારાંશ સ્વરૂપમાં ઉલ્લેખિત છે. સામાન્ય રીતે, તમામ વીમા કંપનીઓ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે ગ્રાહકોને ગ્રાહક માહિતીપત્રક પ્રદાન કરે છે. હવે 1 જાન્યુઆરીથી તેનું ફોર્મેટ બદલાવા જઈ રહ્યું છે. નવું ફોર્મેટ ગ્રાહકો માટે સ્પષ્ટ અને સરળ હશે.
આ પણ વાંચો: ગુજરાત: વીમા પોલીસીના પેમેન્ટનો ફોન આવે તો સાવધાન રહેજો, નહિં તો એકાઉન્ટ થશે ખાલી