ધર્મ

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો, ભગવાનના સૌથી નટખટ સ્વરૂપનો પ્રાગટય દિવસ

Text To Speech

હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા. તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે. પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.

કોઈ એક રાજ્ય, પ્રાંત કે શહેર નહીં પણ ગામોગામ વસે છે અને પૂજ્ય છે શ્રી કૃષ્ણ
દરેક હિન્દુના શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે. ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મુતીઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મંદિરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે. શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં કૃષ્ણની મધુર-મુરલીના મોહક સ્વરમાં વ્રજની ગોપીઓ ઘેલી બની ભાન ભૂલી જતી અને કૃષ્ણ મય બની જતી હતી. મીરાની જેમ. આજે પણ કૃષ્ણ ભક્તોમાં એમની મોહિની એવી જ ખુબીથી ચાલુ રહી છે. બ્રહ્મા,વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રી કૃષ્ણના અત્યંત પવિત્ર જન્મદિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ , પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસ મય સ્વરે ગાઈએ

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

શ્રી કૃષ્ણ નામ સ્મરણ મહિમા

શ્રી શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે –

सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥

જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.

“अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्‌॥

શ્રીકૃષ્ણના ચરણ કમળનું સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.

જન્માષ્ટમી અને કૃષ્ણ, શું છે તેના પ્રાગટ્યનો મહિમા ?
કૃષ્ણપક્ષની આઠમના ચંદ્રની જેમ એક પગ પર ઊભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂંક્યા, તે દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો હતો, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનાં વાદળો ઘેરાઈ જાય છે, મુસિબતોની વીજળીઓ પડે છે, વેદનાનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યનાં કાળાં વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે. ઘોર અંધકારમાં જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે, જાજ્વલ્યમાન સૂર્ય પોતાની આભાને ફેલાવે છે, ત્યારે કયું હૃદય આનંદથી પુલકિત થતું નથી ? સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારાં સ્નિગ્ધ હૃદય મળે, પડી જનારાઓને ઊભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારો સ્નિગ્ધ હૃદય મળે, ત્યારે કયું હૃદય નહી નાચી ઊઠે !? ભારતમાં અનેક અવતારો થયા છે. નરરત્નોની પરંપરા ભારતમાં છે. એક-એક ધ્યેયને માટે ઘણાં જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યાં છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોદ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મધુરંધર, સત્ય અને નીતિના ઉદ્ગાતા, ભક્તવત્સલ, જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્દગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિનના જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રમાણ.

શ્રી કૃષ્ણ જેવું આ દુનિયામાં કોઈ ખરાં ?
બધી દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.

Back to top button