જનતાએ 18% GST લાદ્યો; રાઘવ ચઢ્ઢાએ ભાજપને માર્યો ટોણો
નવી દિલ્હી, 25 જુલાઇ: રાજ્યસભામાં ચોમાસુ સત્ર દરમિયાન બજેટ પર ચર્ચા કરતી વખતે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકોની સંખ્યા ઘટવા અંગે તેમણે કહ્યું કે આ દેશની જનતાએ ભાજપની બેઠકો પર 18 ટકા જીએસટી લગાવીને પાર્ટીને 240 પર પહોંચાડી દીધી. રાઘવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સુધારો, સમીક્ષા અને સરળ બનાવવાનું સૂચન કર્યું હતું. GSTને ‘ગબ્બર સિંહ ટેક્સ‘ ગણાવતા તેમણે કહ્યું કે, “2019માં ભાજપે 303 સીટો જીતી હતી. આ દેશના લોકોએ સીટો પર 18% GST લગાવ્યો અને 2024માં તેને 240 પર લાવી દીઘી.”
તેમના ભાષણમાં રાઘવ ચઢ્ઢાએ ગ્રામીણ મોંઘવારી, ઘટતી ગ્રામીણ આવક, વધતી જતી ખાદ્ય મોંઘવારી અને બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગ્રામીણ આવકમાં ઘટાડો અને વધતી જતી ફુગાવા અંગે સરકાર પર પ્રહાર કરતા ચઢ્ઢાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં ગ્રામીણ આવક વૃદ્ધિ એક દાયકાની નીચી સપાટીએ છે અને છેલ્લા 25 મહિનામાં વાસ્તવિક ગ્રામીણ વેતનમાં સતત ઘટાડો થયો છે. આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું કે, “આજે સ્થિતિ એવી છે કે 2014માં સરેરાશ 3 કિલો અરહર દાળ ખરીદનાર મજૂર આજે તે જ દાળ માત્ર 1.5 કિલો જ ખરીદી શકે છે.” વધતી જતી મોંઘવારી અને 2024ની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના વોટ શેરમાં પાંચ ટકાના ઘટાડા માટે આ કારણો જવાબદાર છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ બજેટથી ભાજપના પોતાના મતદારો સહિત તમામ વર્ગના લોકો નારાજ થયા છે. તેમણે કહ્યું કે આજે દેશમાં આપણે બ્રિટનની જેમ ટેક્સ ભરી રહ્યા છીએ અને સોમાલિયા જેવી સેવાઓ મેળવી રહ્યા છીએ. ખાદ્ય મોંઘવારી વધવાને લઈને સરકાર પર પ્રહાર કરતા AAP નેતાએ કહ્યું, “ખાદ્ય ફુગાવો 9 થી 9.5% ની વચ્ચે છે. અમે તે વસ્તુઓમાં પણ ફુગાવાનો અનુભવ કરી રહ્યા છીએ જેના પર અમે આત્મનિર્ભર હતા અને જેની નિકાસ પણ કરી રહ્યા હતા.” તેમણે કહ્યું કે વર્ષ 2014માં એક કિલોગ્રામ ઘઉંની કિંમત 21 રૂપિયા હતી, જે 2024માં વધીને 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. AAP નેતાએ બીજેપી પર વધતી બેરોજગારી, મુખ્ય ક્ષેત્રોમાં સ્થિરતા, નીચી માથાદીઠ આવક અને ઘટતી બચત અને ભારતીય પરિવારો પર વધતા દેવું સહિત અન્ય મુદ્દાઓ પર પણ પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો :OMG! છોકરો ‘લાશ’ બની શાળાના ફંક્શનમાં પહોંચ્યો, જોઈને બધાને આશ્ચર્ય થયું