જામનગર : જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં હડિયાણા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ
જામનગર, તા.17 ફેબ્રુઆરી : જામનગર જિલ્લાના જામજોધપુરના સિદસર ખાતે આયોજિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની એથલેટિકસ રમતની સ્પર્ધામાં હડિયાણા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેને આચાર્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની એથલેટિકસ રમતની સ્પર્ધા ગત ત.13 ફેબ્રુઆરીના રોજ સિદસર મુકામે યોજાઈ હતી.
જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમમાં હડિયાણા કન્યા શાળાની કુલ 7 વિદ્યાર્થીનીઓએ કુલ 9 રમતોમાં ભાગ લીધો હતો. જેમાં રાઠવા કવિતા કેવનભાઈ ધો.3 અન્ડર- 9 માં 30 મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. માવી રીનું ભુરલાભાઈ ધો. 3 અન્ડર- 11 માં 50 મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તેમજ બામણીયા મમતા રમણભાઈ અન્ડર- 17 માં 400 મીટર દોડમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આગામી સમયમાંં વિજેતા બહેનો રાજ્ય કક્ષાની સ્પર્ધામાંં ભાગ લેશે.
આ ત્રણેય વિદ્યાર્થીનીની સિદ્ધિ બદલ શ્રી હડિયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણા, હડિયાણા કન્યા શાળા પરિવાર તેમજ સમગ્ર જોડિયા તાલુકા વહીવટી તંત્ર તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાંં આવી હતી.