જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે બનાવેલું સ્ટેજ ધરાશાયી, પાંચ લોકો ઇજાગ્રસ્ત
- જામગરમાં 1 મેના રોજ રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ
- રીહર્સલ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનુ સ્ટેજ ધરાશાયી
- એક બાળકી સહિત કુલ પાંચ જેટલા લોકોને ઈજા
જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારીઓ કરવામા આવી રહી છે. આ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. કાર્યક્રમની ઉજવણી માટે બની રહેલું સ્ટેજ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ આ ઘટનામા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં મોટી દુર્ઘટના
જામગરમાં ગુજરાત ગૌરવ દિવસ નિમિતે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી ચાલતી હતી આ દમિયાન ગઈ કાલે મોડી રાત્રે અચાનક જ મુખ્ય સ્ટેજનો ભાગ વચ્ચેથી એકાએક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સ્ટેજ ઉભું કરનાર શ્રમિક તેમજ ઉજવણીમાં નાટકનું રિહર્સલ કરનારને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.
સ્ટેજ ધરાશાયી થતા પાંચ લોકોને ઈજા
મળતી માહીતી મુજબ જામનગરમાં ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણી કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા નિર્માણધીન સ્ટેજ પરનું લાઇટિંગ સ્ટ્રક્ચર તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક બાળકી સહિત કુલ પાંચ જેટલા લોકોને ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે શહેરની જીજી હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી જેથી હાલ મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ તંત્રની કામગીરી પર અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
તંત્ર સામે અનેક સવાલો
જામનગરમાં પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવા માટે તૈયારીઓ કરવામા આવી રહી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને સમગ્ર મંત્રીમંડળ સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહેવાના છે ત્યારે આ પહેલા આ પ્રકારની દુર્ઘટના સર્જાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : હાર્દિક પટેલને મોટી રાહત ! સુપ્રીમ કોર્ટે 2015ના આંદોલન કેસમાં આપ્યા જામીન