ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: જામનગર બેઠક પર 1985થી ભાજપનો દબદબો છે, આ વખતે આપની એન્ટ્રીથી બરકરાર રહેશે આ સીટ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

વાત કરીએ જામનગર જિલ્લાની…. આ જિલ્લામાં વિધાનસભાની 5 સીટ આવે છે. કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર આવે છે.

1) કાલાવડઃ
આ 182 વિધાનસભા બેઠકમાં કાલાવાડ વિધાનસભા બેઠક 76માં ક્રમાંકે છે, જે અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી વર્ષ 2012 સુધી ભાજપનું એકચક્રી શાસન રહ્યું છે.

રાજકીય સમીકરણ
કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી 7 ટર્મ સુધી એટલે કે, 35 વર્ષ સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. કાલાવાડ વિધાનસભા બેઠક પર સતત 7 ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપને કોંગ્રેસે હારનો સ્વાદ ચખાડ્યો હતો.

જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક 1962થી 2017 સુધીનું વિધાનસભાનું ચૂંટણી ચિત્ર રોચક રહ્યું છે. નવા સીમાંકન અનુસાર કાલાવડ વિધાનસભા મતવિસ્તારને અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યો છે.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: જાણો ભાવનગરની 7 બેઠક અંગે, શું ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવામાં સફળ રહેશે કે આપ-કોંગ્રેસ બાજી મારશે?

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રવિણભાઈ મુસડીયાએ ભાજપ ઉમેદવાર મુળજીભાઈ ધૈયાદાને હરાવીને જીત મેળવી છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાએ કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પરમારને મ્હાત આપી હતી.
આ પહેલાં વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારને હરાવ્યા હતા.

2017ની ચૂંટણીમાં પ્રવિણભાઈને 77,595 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના મુળજીભાઈને 44 હજાર 740 વોટ મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

2) જામનગર ગ્રામ્યઃ
જામનગર રૂરલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 77મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં જામનગર તાલુકો અને જોડિયા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ભાજપ માટે ઉતાર-ચડાવવાળો રહ્યો છે.

રાજકીય સમીકરણ
જામનગર ગ્રામીણ બેઠક પર 1998 અને 2007માં ભાજપ વિજયી થયું હતું. 2012માં રાઘવજી પટેલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને 2017ની ચૂંટણી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ કોંગ્રેસના વલ્લભ ધારવિયા સામે હારી ગયા હતા.

જે બાદ વલ્લભ ધારવિયા 2017માં ભાજપમાં જોડાતા 2019માં પેટા ચૂંટણી થઇ હતી અને ભાજપે ફરી રાઘવજી પટેલેને ઉભા રાખ્યા હતા અને તેઓ વિજયી બન્યા હતા.

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાઘવજી પટેલે ભાજપના નેતા રણછોડભાઈ ફળદુને હરાવ્યા હતા.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસના ગઢમાં શું ભાજપ પરચમ લહેરાવશે ? જાણો ડાંગ બેઠકનું રાજકીય ગણિત

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 27 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 25 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 2019માં જામનગર ગ્રામીણ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલે 33 હજાર 22 મતથી જીત મેળવી હતી. આ પહેલાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ ધારાવિયાએ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને હરાવ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

જામનગર ગ્રામીણ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
જામનગર બેઠક પર જ્ઞાતિ-જાતિના સમીકરણોનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે.મુસ્લિમ સમાજના મતદારો 18.42 ટકા, લેઉઆ પટેલના મતદારો 13.98 ટકા, કડવા પટેલના મતદારો 9.19 ટકા, ક્ષત્રિય સમાજના મતદારો 9.14 ટકા અને SC/STના મતદારો 9.01 ટકા છે.

3) જામનગર ઉત્તરઃ  
જામનગર નોર્થ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 78મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. જામનગરને છોટા કાશી કહેવામાં આવે છે. જામનગર ઉત્તર બેઠક એક સમયે જામનગર બેઠકનો ભાગ હતી.

રાજકીય સમીકરણ
2008માં નવા સિમાંકન બાદ આ બેઠકની રચના કરવામાં આવી હતી. નવા સિમાંકન બાદ 2012માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાનો વિજય થયો હતો. અહીં કોઈપણ પક્ષ હોય પણ હકુભાનો દબદબો યથાવત રહ્યો છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 22 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવનભાઈ આહિરને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી.

હકૂભા તરીકે ઓળખતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ મુળુભાઇ બેરાને 9448 મતોથી પરાજય આપી વિજયી બન્યા હતાં.

આ બેઠક પર મતદારોની સંખ્યા

જામનગર નોર્થ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
જામનગર નોર્થ બેઠક પર મુસ્લિમ વોટરની સાથે સાથે લેઉવા પટેલ, કડવા પટેલ, એસસી, એસટી વટોર, બ્રાહ્મણ તેમજ વણિક વોટર્સનો દબદબો છે. મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 13.86 ટકા, આહિર સમાજના મતદારો 5.89 ટકા, એસસી અને એસટી મતદાતાઓની સંખ્યા 14.92 ટકા છે.

વાંચોઃ વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે

4) જામનગર સાઉથઃ  
જામનગર સાઉથ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 79મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ પણ કહેવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જામનગરના રાજા જામ દિગ્વિજયસિંહે પોલેન્ડના એક હજાર બાળકોને આશ્રય આપ્યો હતો.

રાજકીય સમીકરણ
જામનગર સાઉથને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પણ એક સમયે જામનગર બેઠકનો ભાગ હતી. જામનગર બેઠક પર 1985થી ભાજપ જીતતું આવ્યું છે. 2008માં નવા સિમાંકન બાદ જામનગર દક્ષિણ બેઠકની રચના કરવામાં આવી હતી. નવા સિમાંકન પછીની 2012 અને 2017ની ચૂંટણીમાં પણ આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

આ બેઠક પર 1985થી સતત ભાજપનું એક હથ્થું શાસન છે. વર્ષ 1985માં ભાજપના ઉમેદવાર વસંતભાઇ સંઘવીએ કોંગ્રેસના આઇએ કરીમ હાજી અહેમદને હરાવ્યા હતા. અહીંથી આ બેઠક પર ભાજપનો સુવર્ણ યુગ શરૂ થયો હતો. ત્યારબાદ ભાજપે ક્યારે પાછું વળીને નથી જોયું. વર્ષ 1990માં ભાજપના વસંત સંઘવીએ ફરી જંગી બહુમતી નોંધાવી કોંગ્રેસના એમકે બલોચને હરાવ્યા હતા. વર્ષ 1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપના પરમાનંદ ખટ્ટરે કોંગ્રેસના વિનોદરાય વસંતને મ્હાત આપી હતી. જ્યારે વર્ષ 2002થી વર્ષ 2012 એમ સતત 3 ટર્મ સુધી આ બેઠક પર ભાજપના ઉમેદવાર વસુબેન ત્રિવેદીએ સત્તાનો મોરચો સંભાળ્યો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીઓ બાદ આ બેઠક ભાજપના રણછોડભાઇ ચનાભાઇ ફળદુના હાથમાં આવી હતી.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પોરબંદરમાં જીતની હેટ્રિક લગાવી શકશે ભાજપ, જાણો 2 બેઠકનું રાજકીય ગણિત

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

2017ની ચૂંટણીમાં રણછોડભાઈએ કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલને હરાવ્યા હતા. આરસી ફળદુને 71,718 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લાલને માત્ર 55,369 વોટ મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

જામનગર દક્ષિણ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
જામનગર સાઉથ બેઠકની જાતિગત સમીકરણો પર નજર કરીએ તો, મુસ્લિમ મતદારો ઉપરાંત એસસી, એસટી મતદારો મહત્વનો ભાગ ભજવે છે. મુસ્લિમ 19.44 ટકા, લેઉવા પટેલ 8.45 ટકા, રાજપૂત 5.83 ટકા, વણિક 6.85 ટકા, એસસી-એસટી 11.32 ટકા, બ્રાહ્મણ 6.97 ટકા અને લોહાણા મતદારો 5.29 ટકા છે.

5) જામજોધપુર
જામજોધપુર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 80મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં જામજોધપુર તાલુકો, લાલપુર તાલુકો અને ભાણવડ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકીય સમીકરણ
જામજોધપુર બેઠક પરથી ભાજપના ચિમન સાપરિયા 6 વખત ચૂંટણી લડ્યા છે. જેમાં 1995, 1998, 2002 અને 2012માં તેમનો વિજય થયો હતો. જ્યારે 2007 અને 2017માં તેમને કોંગ્રેસના ઉમેદવાર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જામજોધપુર બેઠક પર વર્ષ 2012માં ભાજપ, 2007માં કોંગ્રેસ, 2002માં ભાજપ, 1998માં ભાજપ, 1995માં ભાજપે જીત નોંધાવી હતી.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

જામજોધપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયા, ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયા અને બીએસપીના ઉમેદવાર પ્રવિણભાઈ નરિયા વચ્ચે ચૂંટણી જંગ  હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ કાલરિયાએ બાજી મારી હતી.

ચિરાગ કાલરિયાને 63,735 વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને 61,279 વોટ મળ્યા હતા.

તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાએ કોંગ્રેસ ઉમેદવાર હરદાસ આહિરને મ્હાત આપી હતી.

આ બેઠક પર મતદારોની સંખ્યા

Back to top button