જામનગર જિલ્લાના કાલાવડ નજીક આવેલા નાના વડાળા ગામે એક સ્કૂલ બસ નદીમાં પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. બસમાં સવાર 9 વિદ્યાર્થીઓ સહિત 12 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા.
ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ
કાલાવડ પંથકમાં આજે સવારથી બપોર દરમ્યાન ખૂબ સારો વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળતી નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેના કારણે તાલુકાના અનેક ગામોમાં નદીઓ બે કાંઠે થઈ હતી. જેમાં નાના વડાળા ગામે આવેલી નદીમાં પણ પાણીની ધીંગી આવક થતાં ગામમાં જવાના પુલ ઉપરથી પાણી જવાના શરૂ થઈ ગયા હતા.
જામનગર: સ્કૂલ બસ નદીમાં ખાબકી
નાના વડાળા ગામે નદીમાં ખાબકી સ્કૂલ બસ
સ્કૂલ બસમાં સવાર હતા નવ વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું#Jamnagar #GujaratRain #Rain2022 #Monsoon2022 @CollectorJamngr @PoonambenMaadam pic.twitter.com/1YoOynnDPm— Hum Dekhenge News (@humdekhengenews) July 7, 2022
પાણીના ધસમસતા પ્રવાહમાં બસ પુલ ઉપરથી નીકળી
નાના વડાળા ગામે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નદીમાં પાણીની આવકમાં વધારો થયો હતો. જેના પગલે પાણીનો પ્રવાહ ગામના પુલ ઉપરથી નીકળવા લાગ્યો હતો. આ પ્રવાહમાં રાજકોટ તરફની એક ખાનગી સ્કૂલબસ ગામમાં વિદ્યાર્થીઓને મુકવા માટે આવી હતી. જેના દ્રાઈવરે બસ આ પુલ ઉપરથી પસાર કરતા જ પ્રવાહના કારણે તેણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ તણાઈને પલ્ટી મારી ગઈ હતી.
ગામના લોકો એકઠા થયા અને તમામને બહાર કાઢ્યા
સ્કૂલ બસ પુલ ઉપરથી નદીમાં પલ્ટી મારી ગઈ હોવાની જાણ થતાં જ ગામના લોકો એકઠાં થઈ ગયા હતા. સરપંચ સહિતના ગ્રામજનોએ રેસ્ક્યુ શરૂ કરી બસમાંથી જેસીબીની મદદથી નવ વિદ્યાર્થીઓ, બે શિક્ષક અને દ્રાઈવર સહિત 12 વ્યક્તિને હેમખેમ બહાર કાઢી લીધા હતા.