કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષહેલ્થ
જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી GG હોસ્પિટલે મેળવ્યું આ બહુમાન, દેશમાં ક્યાંય નથી
જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshya પ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૦-૫-૨૦૨૨ અને તા.૧૧-૫-૨૦૨૨ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થીએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ LaQshya પ્રોગ્રામ હેઠળ જી.જી. હોસ્પિટલ અને એમ.પી.શાહ મેડિકલ કોલેજને લક્ષ્યનું નેશનલ લેવલનું રી-સર્ટીફિકેશન મળ્યું છે. આ પ્રકારે સતત બીજી વખત સર્ટિફિકેશન મેળવનાર ભારતની એકમાત્ર જામનગરની જી.જી. હોસ્પિટલ છે.
LaQshya નો ઉદ્દેશ પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થીએટરમાં અપાતી સેવા ચકાસવાનો
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલએ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મે-૨૦૨૨ માં લેબરરૂમ (પ્રસુતિ વિભાગ) અને મેટરનિટી ઓપરેશન થિયેટરનું લક્ષ્યનું નેશનલ લેવલનું ઇન્સ્પેક્શન હતું. LaQshya નો ઉદ્દેશ પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થીએટરમાં સગર્ભા માતાઓને અપાતી તમામ સેવાઓ તથા સારવારની ગુણવત્તા તેમજ તેની સુદ્ઢતાની ચકાસણી માટેનો છે.
પ્રસુતિ વિભાગની ગુણવત્તા ૯૭% અને મેટરનિટી ઓપરેશન થિયેટરની ગુણવત્તા ૯૨% હતી
ગાયનેક વિભાગના વડા ડો.નલિની આનંદએ જણાવ્યું હતું કે, આ ઇન્સ્પેશન માટે દિલ્હી ખાતેથી ટીમ આવી હતી અને જી.જી. હોસ્પિટલના પ્રસુતિરૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટરમાં ખુબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસના રિપોર્ટમાં પ્રસુતિ વિભાગની ગુણવત્તા ૯૭% અને મેટરનિટી ઓપરેશન થિયેટરની ગુણવત્તા ૯૨% છે. જે અંતર્ગત હોસ્પિટલને LaQshya પ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મળ્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૧૭માં પ્રસુતિ વિભાગની ગુણવત્તા તેમજ સુદ્ઢતાની તપાસ કરવામાં આવી હતી ત્યારે પ્રથમ વખત સર્ટિફિકેટ મળ્યું હતું. LaQshya પ્રોગ્રામ હેઠળ બનાવેલી ટીમ દ્વારા ડોક્યુમેન્ટેશન, દર્દીઓના રીવ્યુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને લેબોરેટરીના સાધનોની ચકાસણીના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને તેના આધારે ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટ ગાયનેક વિભાગ તેમજ જી.જી. હોસ્પિટલ અને સમગ્ર જામનગર માટે ગૌરવની વાત છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા LaQshya પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ LaQshya પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. LaQshya નો ઉદ્દેશ્ય પ્રસુતિ રૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટર (OT)માં સંભાળની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. તેમજ માતૃત્વ અને નવજાત શિશુની બિમારી અને મૃત્યુદરમાં ઘટાડો, ડિલિવરી અને તાત્કાલિક પોસ્ટપાર્ટમ સમયગાળા દરમિયાન સંભાળની ગુણવત્તામાં સુધારો, લાભાર્થીઓનો સંતોષ વધારવો, સકારાત્મક પ્રસૂતિ અનુભવ અને જાહેર આરોગ્ય સુવિધાઓમાં હાજરી આપતી તમામ સગર્ભા સ્ત્રીઓને આદરણીય પ્રસૂતિ સંભાળ (RMC) પ્રદાન કરવાનો છે.