ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી
જામનગર : પશુઓને લગાવવાના પ્રતિબંધિત ઈન્જેક્શનની ફેક્ટરી ઝડપાઈ
જામનગરમાંથી એવા ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી એસઓજીની ટીમે ઝડપી લીધી છે જેના ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યો છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.
ગોકુલનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડ્યો
મળતી માહિતી મુજબ, જામનગર એસઓજીની ટીમને હકીકત મળી હતી કે શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરીમાં આવેલા એક મકાનમાં ગાય-ભેંસને આપવાના કેટલાક ઈન્જેકશન બનાવવામાં આવી રહ્યા છે જે હકીકતના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો.
એસઓજીએ ઈન્જેક્શનનો જથ્થો, સાધન મળી રૂ.2.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
દરોડો પાડતાં રહેણાંક ઓરડીમાંથી એક શખ્સ મળી આવ્યો હતો જેને તેનું નામ પુછતાં ભીમશી ગોજીયા હોવાનું જણાવતા તેને અટકાવી ઓરડીની તલાશી લેતા તેમાંથી કેટલાક ઈન્જેક્શનનો જથ્થો, ઈન્જેકશન બનાવવા માટેના કેમિકલના નાના-મોટા મળી કુલ ૪૮ પાઉચ, સફેદ પ્રવાહી ભરેલી ૮૯૦૮ નાની બોટલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. એસઓજીએ એક મોબાઈલ મળી રૂ. ૨,૭૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાડોશી શખ્સની ઓરડીમાંથી પણ કેટલોક મુદ્દામાલ કબ્જે કરાયો
દરમ્યાન એસઓજીની ટીમે પાડોશીની ઓરડીમાં પણ દરોડો પાડ્યો હતો જેથી રામ ગોજીયાના મકાનમાંથી પણ પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું કેમિકલ મળી આવ્યું હતું. ત્યાંથી ૬૫૨૮ બોટલ ઝબ્બે લેવામાં આવી હતી.
એકની ઘટનાસ્થળેથી ધરપકડ, બીજાને ભાગી જતા શોધી કઢાયો
એસઓજીની ટીમે પ્રતિબંધિત ઈન્જેક્શનના જથ્થા સાથે સ્થળ ઉપર હાજર મળી આવેલા ભીમશી ગોજીયાની ધરપકડ કરી હતી જ્યારે કે રામ ગોજીયા હાજર ન મળી આવતા તેની શોધખોળ કરવામાં આવતા તે પણ ગણતરીની કલાકોમાં ઝડપાઈ જતા ધરપકડ કરવામાં આવી હતી.
પશુઓ દુધ ન આપે ત્યારે મારવામાં આવતા ઈન્જેક્શન
જામનગરમાંથી ઝડપાયેલા પ્રતિબંધિત ઈન્જેક્શન અંગે પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ ખૂબ ખતરનાક ઈન્જેક્શન છે. જ્યારે કોઈ દુધાળા પશુઓ દુધ ન આપતા હોય ત્યારે તેમને આ ઈન્જેક્શન આપવામાં આવે છે. પણ ઈન્જેક્શન લાગ્યા બાદ તેની તંદુરસ્તી જોખમાઈ છે. જેને કારણે સરકારે તેની ઉપયોગીતા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.