જામનગરઃ બાળકોના ઝઘડામાં મોટેરા ઝઘડી પડ્યા; ડિફેન્સ કોલોનીમાં પિતા-પુત્ર પર છરી-કુહાડી વડે હુમલો, પુત્રનું મોત પિતા ગંભીર


જામનગરની ડિફેન્સ કોલોનીમાં બાળકોના ઝઘડામાં મોટેરા બાખડી પડતા શુક્રવારની મોડીરાત્રે નાનકડું ધીંગાણું ખેલાઈ ગયું હતું. પુત્ર અને પુત્રીની સાથે ધસી આવેલી માતાએ ડિફેન્સ કોલોનીમાં પ્રતિ પક્ષના પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે પુત્રનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જામનગરની ડિફેન્સ કોલોનીમાં રહેતા મુન્નો ગઢવી અને તેના પિતા મૌમિયા રાયદે પર શુક્રવારે મોડીરાત્રે એક મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે મળીને હુમલો કર્યો હતો. આ હુમલામાં મુન્ના ગઢવીને કિડનીના ભાગમાં વાગેલો ગુપ્તીનો ઘા જીવલેણ નિવડ્યો હતો. જ્યારે તેના પિતાને માથામાં કુહાડાનો ઘા ઝીંકાતા લોહી નિકળતી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે પણ મહિલાના માથામાં કુહાડાનો ઘા વાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બાળકોના ઝઘડામાંથી આ ધીંગાણું ખેલાઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પંચનામુ તેમજ નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી કરી હતી. ઈજાગ્રસ્તોની હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.