કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતહેલ્થ

જામનગર : GG હોસ્પિટલમાં દિલ્હીની NABHની ટીમનું ઈન્સ્પેકશન

Text To Speech
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા નંબરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સુવિધાઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા એનએબીએચની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના ઇન્સ્પેક્શન બાદ તૈયાર થયેલા રિપોર્ટના આધારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ આપવાનું નકકી કરાશે.
જુદા-જુદા વોર્ડની મુલાકાત લેવાઈ, દર્દીઓને અપાતી સારવારની માહિતી મેળવાઈ
મળતી માહિતી મુજબ દિલ્હીથી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રિવાઈડરના ડો.પ્રશાંત ઠોકે, ડો. શરદ શિરોલે, ડો. ઉજ્જવલા નિકાલજે સહિતના અધિકારીઓની ટીમ જામનગર આવી પહોંચી હતી અને જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દીપક તિવારી, ડો. અજય તન્ના, ડો. હેમાંગ વસાવડા દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ દિલ્હીની આ ટીમ દ્વારા જી.જી. હોસ્પિટલના 700 બેડ સાથેના નવા વોર્ડ, ઉપરાંત બાળકો માટેના 200 બેડની સુવિધા વાળા વિભાગ, કેન્સર વિભાગ સહિતના અલગ અલગ વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી તથા જી.જી. હોસ્પિટલમાં કેસ નોંધાવવાથી લઈને દાખલ થનાર દર્દીઓને અપાતી સારવાર તેમજ અલગ અલગ વિભાગોમાં ચાલી રહેલી આરોગ્ય વિષયક કામગીરીની પ્રક્રિયાઓ તેમજ જુદા-જુદા વોર્ડમાં દર્દીઓ માટેની સુવિધા, તથા સારવાર માટે આવનારા દર્દીઓની સુખાકારીની વ્યવસ્થા સહિતની માળખાગત પ્રાથમિક સુવિધા સહિતની બાબતોનું સર્વે કરીને તેનો સર્ટીફીકેટ આપતી સંસ્થાના અધિકારીઓની ટીમ જી.જી. હોસ્પિટલના જુદા જુદા વોર્ડ અને વિભાગમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ
આ એનએબીએચની ટીમ દ્વારા હોસ્પિટલની તમામ સુવિધાઓ અને સેવાઓનું બારીકીથી નિરીક્ષણ કરશે અને તેના આધારે માર્ક આપશે અને જામનગરની હોસ્પિટલનું સ્તર નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવની ભરમાર છે. તબીબોની ઘટ, સ્પેશિયલિસ્ટ તબીબો, સાધન સામગ્રી સહિતની તંગી છે. તેમજ ગંદકી, પાર્કિંગની સમસ્યા સહિત અનેક પ્રકારની અસુવિધાઓ છે. ત્યારે આ હોસ્પિટલને એક્રેડીશન મળે તે માટે NABH નામની સંસ્થા આજે ઈન્સ્પેક્શન માટે હોસ્પિટલમાં આવી છે. મહત્વનું છે કે, જામનગરની આ જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે આ કમિટી શું રીપોર્ટ તૈયાર કરે છે તે જોવાનું છે. આ ટીમ હોસ્પિટલની મુલાકાતે હોવાથી હોસ્પિટલના અધિક્ષક, તમામ ફેકલ્ટીના એચઓડી, નર્સિંગ સ્ટાફ સહીત તમામ હોસ્પિટલના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
NABH સંસ્થા શું છે?
NABH એટલે નેશનલ એક્રેડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ નામની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કમિટી છે. જે હોસ્પિટલમાં કેવા પ્રકારની સેવા અને સુવિધા આપવામાં આવે છે તેનું માર્કિંગ કરે છે અને તેનું નિરીક્ષણ કરીને તેને માર્ક્સ આપવામાં આવે છે.
Back to top button