જામનગર અંબાણી પરિવારના હૃદયમાં વસે છે, તમે પણ આ શહેરની મુલાકાત લેવાનું આયોજન કરો
જામનગર, 02 માર્ચ : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સમગ્ર પરિવાર અને વિશ્વભરની અનેક પ્રખ્યાત હસ્તીઓ આ દિવસોમાં જામનગરમાં હાજર છે. જો તમે પણ મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો અહીં ત્યાંનું શું-શું છે પ્રખ્યાત?
અંબાણી પરિવારનો જામનગર સાથે ઊંડો નાતો છે. અનંત અંબાણીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના દાદી કોકિલાબેન ધીરુભાઈ અંબાણીનો જન્મ જામનગરમાં થયો હતો. ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણીએ પણ જામનગરથી બિઝનેસ શરૂ કર્યો હતો. મુકેશ અંબાણીની જામનગરમાં ઓઈલ રિફાઈનરી છે જે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી બની ગઈ છે. આ જ કારણ છે કે અંબાણી પરિવાર કોઈપણ શુભ કાર્યની શરૂઆત જામનગરથી જ કરે છે. ગુજરાતમાં આવેલું જામનગરએ ખૂબજ સુંદર શહેર છે. જો તમે ગુજરાતમાં હોવ તો તમે જામનગર જવાનો પ્લાન બનાવી શકો છો. ચાલો જાણીએ કે જામનગરમાં જોવા માટે શું છે અને અહીં કયા પ્રવાસન સ્થળો છે?
જામનગરમાં ફરવા માટેના સૌથી સુંદર સ્થળ
પ્રતાપ વિલાસ પેલેસ
પ્રતાપ વિલાસ પેલેસ જામનગરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલો છે. તે જામ રણજીત સિંહ દ્વારા 1907 અને 1915 ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ મહેલ યુરોપિયન આર્કિટેક્ચરથી પ્રેરિત છે. મહેલમાં બનેલા કાચના ગુંબજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ સિવાય આખા મહેલમાં કરાયેલી કોતરણી જોવા જેવી છે.
રણમલ તળાવ
શહેરની મધ્યમાં આવેલું આ તળાવ લાખોટા તળાવના નામથી પણ ઓળખાય છે. આ તળાવ 19મી સદીમાં રાજા જામ રણમલ દ્વિતીય દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે તે જામનગરના પ્રવાસીઓ અને લોકો માટે એક અદ્ભુત પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીં બેસીને પક્ષીઓને નિહાળવાથી તમને ખરેખર આનંદ અને આરામ મળશે.
ખીજડિયા પક્ષી અભયારણ્ય
આ પક્ષી અભયારણ્ય જામનગર નજીકના ખીજડિયા ગામમાં આવેલું છે. આ પક્ષી અભ્યારણ્યમાં તમે સુંદર પક્ષીઓ અને અનેક પ્રાણીઓને આસપાસ ફરતા જોઈ શકો છો. જો કે, પક્ષી અભયારણ્યની મુલાકાત લેવા માટે તમારે ફોરેસ્ટ ઓફિસની પરવાનગી લેવી પડશે અને ફક્ત 5 વાગ્યા સુધી જ અહીં મુલાકાત લઈ શકો છો.
મરીન નેશનલ પાર્ક
નરારા મરીન નેશનલ પાર્ક જામનગરથી લગભગ 56 કિલોમીટર દૂર આવેલું છે, જે કચ્છના અખાતમાં દરિયાઈ વન્યજીવ અભયારણ્ય છે. આ ભારતનું પહેલુ નેશનલ મરીન ગાર્ડન છે જ્યાં તમે પરવાનગી વિના પ્રવેશ કરી શકતા નથી.
સ્વામી નારાયણ મંદિર
BAPS સ્વામી નારાયણ મંદિર પણ જામનગરમાં છે. આ મંદિર ઘણું પ્રખ્યાત છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે. અહીં ભગવાન સ્વામી નારાયણ ઉપરાંત શિવ, પાર્વતી અને અન્ય અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે.
આ પણ વાંચો : ધનવાન થવું હોય તો કરો આ ખેતી, મળશે બમ્પર નફો, માર્કેટમાં ભારે માંગ