અમરનાથમાં વાદળ ફાટતાં જામનગર-દ્વારકાના યાત્રિકો અધવચ્ચે ફસાયા, સુરતના શ્રદ્ધાળુઓ સલામત
અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં ગુજરાતના યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાદળ ફાટતા તમામ યાત્રિકોને સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી. જેમાં જામનગર – દ્વારકા જિલ્લાના 20 ભાવિકો પણ છે. જ્યારે સુરત જિલ્લામાંથી ગયેલા યાત્રિકો સહી સલામત હોવાનું જાણમાં આવ્યું છે.
જામનગર-દ્વારકા જિલ્લાના યાત્રિકો ફસાયા
અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગર-દ્વારકા જિલ્લાના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓ સહી સલામત છે. આ યાત્રિકોને હાલ સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા છે અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેવાનું જણાવવામાં આવ્યું છે.
સુરતના યાત્રિકો સહી સલામત
સુરત જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. 85 જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા. જેમાં શહેર અને જિલ્લામાંથી કુલ 4 જેટલી બસ શ્રીનગર પહોંચી હતી. પરંતુ ગતરોજ વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ ગયેલા લોકોના પરિવારજનો ચિંતિત બન્યા હતા.
સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં યાત્રા રોકાઈ
સંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે. જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ પણ આ સમયે યાત્રામાં અટવાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યું હતું
અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે..જ્યારે 40થી વધુ યાત્રી ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે..શુક્રવારે અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર વાદળ ફાટ્યું હતું, જેથી યાત્રિકોના ટેન્ટ વચ્ચેથી ધમસમસતો પાણીનો પ્રવાહ પસાર થયો હતો. જો કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. અને અત્યાર સુધી 3500થી વધુ યાત્રીકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સેના દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
સેના દ્વારા હેલિકોપ્ટરથી સતત રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. સાથે યાત્રિકોના પરિવારજનો હેરાના ન થાય તેના માટે હેલ્પલાઈન સેવા પણ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે અમરનાથ ગુફા તરફ જવાના બંને રસ્તા કાચા છે અને રસ્તાઓ એટલા સાંકડા છે કે ઘોડા પણ એક-એક કરીને મોકલવામાં આવે છે. ગુફાની આજુબાજુ અસ્થાયી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જે લોકો ભવનની પાસે રોકાય છે, તેમને આ અસ્થાયી કેમ્પમાં ઉતારો આપવામાં આવે છે. શુક્રવારે જ્યારે વાદળ ફાટ્યું ત્યારે અનેક અસ્થાયી કેમ્પ પણ વહી ગયા હતા.