જામનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ધો.8, 10 અને 12 પાસ ઉમેદવારો માટે ચોકીદાર, ડ્રાઇવર, પિયુન, વોચમેન જેવા હોદ્દાઓ માટે ભરતી બહાર પડનાર છે તેવી ખોટી જાહેરાતો જુદી જુદી વેબસાઈટ ઉપર મુકવામાં આવી હતી. જેમાં જામનગર કોર્ટની વેબસાઈટ લીંકનો દૂરૂપયોગ થયો હોવાની ફરિયાદમાં સાઈબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના ચાર બ્લોગર્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
બ્લોગર્સનું લોકેશન રાજસ્થાન મળતા ટીમ ત્યાં પહોંચી
ખોટી જાહેરાતો માટે જામનગર કોર્ટની વેબસાઈટની લીંકનો દૂરુપયોગ થયાની ફરિયાદના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ પી.પી ઝા, પો.કો ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, એએસઆઈ ચંપાબેન વાઘેલા, પીસી રાહુલભાઇ મકવાણા, જેસાભાઈ ડાંગર, રંજનાબેન વાઘ, વિકીભાઈ ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નિલમબેન સીસોદિયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં પો.કો. ધર્મેશ વનાણી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં વિશેષ ડોમેન એનાલીસીસ ઈમેઇલ ફોરેન્સીક તેમજ ટેકનિકલ પૂરાવાઓ એકત્રિત કરી ખોટી જાહેરાત વાળી વેબસાઈટની માહિતી મેળવી અને તેનું એનાલીસીસ કરી બ્લોગર્સનું લોકેશન રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાનું આવતા શહેર ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સાઈબર પીઆઈ પી.પી ઝા અને ટીમ રાજસ્થાન તપાસમાં ગઈ હતી. દરમિયાન જામનગર સાઈબર ક્રાઈમ ટીમે રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાના પીપલી ગામના રજનીકાંત સુભાષચંદ્ર કઠાનીયા (ઉ.વ.34), કૃષ્ણકુમાર અમરસીંઘ દહિયા (ઉ.વ.30), રાકેશકુમાર શીશરામ માહિચ (ઉ.વ.29) અને અજયકુમાર ઓમપ્રકાશ લાંબા (ઉ.વ.38)ની ધરપકડ કરી હતી.
ઝડપાયેલી ગેંગના સાગરીતો વેલ એજ્યુકેટેડ
જામનગર સાયબર ક્રાઈમની ટીમે રાજસ્થાનથી જે ગેંગનો પર્દાફાશ કર્યો છે તેના તમામ સાગરીતો વેલ એજ્યુકેટેડ છે. પોલીસે ઝડપી લીધેલા રજનીકાંત સુભાષચંદ્ર કઠાનીયા (ઉ.વ.34) બી.એ.બી.એડ કર્યું છે. આરોપી કૃષ્ણકુમાર અમરસીંઘ દહિયા (ઉ.વ.30) બી.એસ.સી. કર્યું છે. આરોપી રાકેશકુમાર શીશરામ માહિચ (ઉ.વ.29) અને આરોપી અજયકુમાર ઓમપ્રકાશ લાંબા (ઉ.વ.38)એ એચ.એસ.સી.સુધીનો અભ્યાસ કર્યો છે.