જામનગર: શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ

- ”શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વીમા પ્રીમિયમની ભરપાઈ થવાથી મારા વ્યવસાયમાં ઘણો ફાયદો થયો છે” : લાભાર્થી
જામનગર: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જાહેર અને ખાનગી આમ બંને ક્ષેત્રોમાં વીમા કંપનીઓ સાથે વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો સાથે જોડાણ કરીને સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વીમા ક્ષેત્ર પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગરીબ અને વંચિત વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના વિઝનની પરિકલ્પના આ યોજના સાથે જોડાયેલી છે.
- ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં વર્ષ 2015થી લઈને વર્ષ 2023 દરમિયાન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 6.64 લાખ પરિવારોને રૂ.13,290 કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકો માત્ર 5 રૂપિયામાં પોષણથી ભરપૂર સ્વાદિષ્ટ થાળી મેળવી શકે છે.
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 155 નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. ધનતેરસના શુભ દિવસે બાંધકામ ક્ષેત્રના કામદારો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શ્રમિકો માત્ર 5 રૂપિયામાં પોષણથી ભરપૂર સ્વાદિષ્ટ થાળી મેળવી શકે છે. સમગ્ર રાજ્યના અંદાજીત 75,000 કામદારોને આ પહેલનો લાભ મળશે.
- જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર અને જિલ્લા કલેકટર બી.એ.શાહના હસ્તે 10 જેટલા લાભાર્થીઓને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલવાન્વિત વિવિધ યોજનાઓના 10 લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા લાભાર્થી જયકિશનભાઈ કરશનભાઈ કણજારીયા જણાવે છે કે, હું અત્યારે ઈલેક્ટ્રીશિયન તરીકે વ્યવસાય કરું છું. પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાનો મને લાભ મળ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન રૂ. 436 જેટલું વીમા પ્રીમિયમ ભરવાનું હોય છે. આ યોજનાનું મારું સંપૂર્ણ પ્રિમિયમ ગુજરાત બાંધકામ અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જામનગર દ્વારા ભરવામાં આવ્યું છે. આ ઓટો રીન્યુઅલ યોજના છે, તેથી દર વર્ષે વીમાનું પ્રીમિયમ તેમાં આપોઆપ આવી જાય છે, અને આ સમગ્ર કામગીરી જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. તેમજ શ્રમિક અન્નપુર્ણા યોજના થકી આજે અમારા જેવા અનેક શ્રમિકો માત્ર 5 રૂપિયામાં ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન સમયસર મેળવી શકે છે. જયકિશનભાઈને આ તકે સહાયનો લાભ મળ્યો હોવાથી તેઓ રાજ્ય સરકારનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરે છે.
આ સહાય કોણ મેળવી શકે છે ?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક વર્ષની જીવન વીમા યોજના છે. જેમાં કોઈપણ કારણોસર મૃત્યુ થવાથી લાભાર્થીના પરિવારને વળતર મળી શકે છે. 18 થી 50 વર્ષની વય જૂથમાં સમાવિષ્ટ કોઈપણ નાગરિક કે જેઓ વ્યક્તિગત બેંક અથવા પોસ્ટ ઑફિસમાં ખાતું ધરાવે છે, તેઓ આ યોજના હેઠળ નોંધણી કરવા માટે પાત્રતા ધરાવે છે. કોઈપણ કારણસર મૃત્યુના કિસ્સામાં રૂપિયા 2 લાખ સુધીની સહાય મળી શકે છે. આ યોજના હેઠળ વાર્ષિક રૂ. 436 જેટલું પ્રીમિયમ ભરવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. નોંધણી કરાવવા માટે ખાતાધારકે બેંક શાખા કે પોસ્ટ ઓફિસ બચત બેંકની મુલાકાત લેવાની રહે છે. યોજનાનું પ્રીમિયમ દર વર્ષે ખાતાધારકના બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. આ યોજના અને રજીસ્ટ્રેશન ફોર્મ વિશેની વિગતવાર માહિતી હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં તેમજ https://jansuraksha.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમાઃ તંત્ર દ્વારા અપાયો આખરી ઓપ, સુવિધામાં થયો વધારો