ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ આતંકી હુમલો: મૃતકોના પરિજનોને 10 લાખના વળતરની જાહેરાત

  • રિયાસીમાં રવિવારે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં 10 લોકોના મૃત્યુ અને 32 લોકો ઘાયલ થયા

કાશ્મીર, 10 જૂન: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રિયાસી જિલ્લામાં બસ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર પ્રવક્તાએ સોમવારે આ માહિતી આપી હતી. પ્રવક્તાએ કહ્યું હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઘાયલોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની પણ જાહેરાત કરી છે. રિયાસીમાં રવિવારે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકોના મૃત્યુ થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. બસ કટરામાં શિવ ઘોડી મંદિરથી માતા વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી ત્યારે પોની વિસ્તારના તેરયાથ ગામ પાસે તેના પર હુમલો થયો અને ગોળીબાર બાદ 53 સીટર બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી.

 

પ્રવક્તાએ કહ્યું કે, અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. આતંકવાદી હુમલા માટે જવાબદાર ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે.

પ્રત્યક્ષદર્શીએ સંભળાવી આપવીતી 

 

બસમાં સવાર એક પીડિત અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેણે બસ પર આતંકવાદી ગોળીબાર કરતા જોયો. બસ ખીણમાં પડી ગયા બાદ પણ એક આતંકવાદીએ 20 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ પણ કહ્યું હતું કે, બસ પર 25 થી 30 ગોળીઓ ચલાવવામાં આવી હતી અને બસ ખીણમાં ખાબકી હતી, જ્યારે અન્ય એક પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે લાલ મફલર અને એક માસ્ક પહેરેલા હુમલાખોરને બસ પર ખુલ્લેઆમ ગોળીબાર કરતા જોયો હતો. તેરયાથ હોસ્પિટલમાં દાખલ બનારસના એક ઘાયલ યાત્રીએ કહ્યું કે, અમે સાંજે 4 વાગ્યે જવાના હતા, પરંતુ બસ સાંજે 5.30 વાગ્યે નીકળી અને અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું.

અમરનાથ યાત્રા પહેલા આતંકી હુમલો ચિંતાજનક

મહત્ત્વપૂર્ણ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં પૂંછ-રાજૌરી સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અનેક ગોળીબાર થયા છે. આમાં બંને પક્ષે માર્યા ગયેલા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ સિવાય 29 જૂને અમરનાથ યાત્રા પહેલા રિયાસીમાં થયેલો આતંકી હુમલો સરકાર માટે ચિંતાજનક છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે આતંકવાદી હુમલાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને સુરક્ષા દળોને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાં શ્રધ્ધાળુઓની બસ ઉપર આતંકી હુમલો, 10 ના મૃત્યુ

Back to top button