જમ્મુ-કાશ્મીરમાં દેશના ત્રણ દુશ્મનોને ઠાર કરી દેવાયા છે. બારામુલામાં ભારતીય સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બારામુલાના કરેરી વિસ્તારમાં કલાકો સુધી ચાલેલી અથડામણમાં ભારતીય સેનાના જવાનોને ત્રણ પાકિસ્તાની આતંકીઓને ઠાર કરી તેઓના નાપાક ષડયંત્રને નાકામ કરી દીધું હતું. આતંકીઓ પાસેથી હથિયાર, ગોળા-બારુદ જપ્ત કર્યા હતા. તો આ અથડામણમાં એક પોલીસ જવાન પણ શહીદ થયા હતા.
J-K: 3 Pakistani terrorists, cop killed in Baramulla encounter
Read @ANI Story | https://t.co/vvyJz5L6uv#Baramulla #Encounter #JeMTerrrorists pic.twitter.com/uzPszC4fkP
— ANI Digital (@ani_digital) May 25, 2022
કરેરી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની ભારતીય જવાનોને માહિતી મળી હતી. તેના આધારે SOG, ભારતીય સેના અને CRPFની ટીમે માહિતી મળેલા સ્થળે સંયુક્ત ઓપરેશન હાથધર્યું હતું અને આતંકીઓની શોધખોળ હાથધરી હતી. જેવા સુરક્ષાદળો તપાસ કરતા-કરતા નાજીભટ ચાર રસ્તા નજીક પહોંચ્યા કે તરત જ ત્યાં છુપાયેલા આતંકીઓએ તેઓની પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું, તો જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં ત્રણ આતંકીઓના મોત થયા હતા.
મંગળવારે શ્રીનગરમાં થયો હતો આતંકી હુમલો
મહત્વનું છે કે, મંગળવારે શ્રીનગરમાં સૌરાના અંચાર વિસ્તારમાં આતંકીઓએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. અંચાર વિસ્તારમાં આતંકીઓએ પોલીસ કર્મી સૈફુલ્લાહ કાદરી પર ફાયરિંગ કર્યું હતું. જેમાં કાદરી અને તેની 9 વર્ષની પુત્રી પણ ઘાયલ થઈ હતી. લોહી લુહાણ હાલતમાં બન્નેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતું, અને જવાનની દીકરી હાલ સારવાર હેઠળ છે.
સોમવારે જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસે આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા પાંચ આતંકીઓને ઝડપ્યા હતા. તેમાંથી ત્રણ આતંકી બારામુલામાં ગયા મહિને થયેલી સરપંચની હત્યામા પણ સંડોવાયેલા હતા.
7મેના રોજ શ્રીનગરના અલી જાન રોડ પર આવેલા એવા બ્રિજ પર આતંકીઓએ પોલીસ કર્મી ગુલામ હસન ડારની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આ સિવાય, 18 એપ્રિલે પુલવામામાં આતંકવાદીઓએ કાકાપોરા રેલવે સ્ટેશન બહાર આવેલી દુકાન પર ચા પીવા માટે આવેલા રેલવે સુરક્ષા દળના બે જવાનોને નિશાન બનાવી તેમની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બન્ને જવાનોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા.
રાહુલ ભટની હત્યાનું વિરોધ પ્રદર્શન
12મેના રોજ જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકીઓએ તહસીલદાર ઓફિસના ક્લાર્ક રાહુલ ભટની ઓફિસમાં ઘુસી હત્યા કરી નાંખી હતી. જેને લઈ 21મેના રોજ અનંતનાગ જિલ્લામાં કાશ્મીર પંડિતોએ મુંડન કરાવી રાહુલ ભટની હત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.