જમ્મુ કાશ્મીર : અનંતનાગમાં મોડીરાત્રે સેનાનું મોટું ઓપરેશન, એક આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે રાત્રે ફરી એકવાર આતંકીઓ સાથે સેનાને અથડામણ થઈ હતી. જેમાં એકને ઠાર મારવામાં સેનાને સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના તંગપાવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. બે આતંકવાદીઓ ઘેરાયેલા હોવાની આશંકા છે.
માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી, આત્મસમર્પણની અનેક તકો અપાઈ
આ અંગે કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે ટંગપાવામાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. પોલીસે જણાવ્યું હતું કે તંગપાવામાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોર્ડન કડક થતાં જ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘણી વખત આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવ્યા બાદ પણ આતંકીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. આ પછી જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટર શરૂ થયું. અંધારાના કારણે સુરક્ષા દળો વધુ તકેદારી રાખીને ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને સીલ કરી દીધા છે. જેથી આતંકીઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ભાગી ન જાય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં 5 ઓક્ટોબરે એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. જૈશ-એ-મોહમ્મદના ત્રણ અને લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી હતો.