અમરનાથ યાત્રા દરમિયાન બાબા બર્ફાનીની પવિત્ર ગુફા પાસે ફરી પૂર આવ્યું છે. મંગળવારે ભારે વરસાદને કારણે ગુફાની આસપાસના જળાશયોના જળ સ્તરમાં વધારો થયો હતો. આવી સ્થિતિમાં જોખમને જોતા સેંકડો શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર અને ખરાબ હવામાનને જોતા અમરનાથની યાત્રા કરી રહેલા 4000થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે.
ઈન્ડો તિબેટીયન પોલીસ ફોર્સ ITBPએ આ સમગ્ર ઘટના પર એક નિવેદન જાહેર કર્યું છે. તેની તરફથી કહેવામાં આવ્યું છે કે પવિત્ર અમરનાથ ગુફાની નજીકથી પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને પંચતરણીમાં 4000થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. ITBPના જણાવ્યા અનુસાર હવે સ્વચ્છ હવામાનને કારણે પૂર જેવો કોઈ ખતરો નથી. હાલ આ વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.
8 જુલાઈએ ફાટ્યું હતું વાદળ
તમને જણાવી દઈએ કે 8 જુલાઈના રોજ અમરનાથ યાત્રા દરમિયાન બાબા બર્ફાનીની પવિત્ર ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. આ અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં લગભગ 15 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. તેમજ 40થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના બાદ તરત જ યાત્રાને રોકીને વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું હતું કે પછીથી કોઈપણ રાજ્યમાંથી કોઈ વ્યક્તિના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી.
અત્યાર સુધી 2.25 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
જમ્મુ બેઝ કેમ્પમાંથી 3800થી વધુ શ્રદ્ધાળુઓની 25મી બેચ સોમવારે પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ ગુફાના દર્શન કરવા માટે રવાના થઈ હતી. અત્યાર સુધીમાં 2.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બનેલા બરફના શિવલિંગના દર્શન કર્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કડક સુરક્ષા વચ્ચે સોમવારે કુલ 3,862 શ્રદ્ધાળુઓ 125 વાહનોના કાફલામાં ભગવતી નગર યાત્રી નિવાસથી નીકળ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પહેલા 46 વાહનોમાં 1,835 તીર્થયાત્રીઓ ભગવતી નગર કેમ્પથી બાલતાલ માટે રવાના થયા અને ત્યાર બાદ 79 વાહનોમાં 2,027 યાત્રીઓ પહેલગામ જવા રવાના થયા.