જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કમિટીને મંગળવારે ફરી એકવાર જોરદાર ઝટકો લાગ્યો છે. એક તરફ પાર્ટી ગુલામ નબી આઝાદની વિદાય પછી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ પાર્ટીમાંથી નેતાઓના રાજીનામા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંગળવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ, પૂર્વ મંત્રી અબ્દુલ મજીદ વાની સહિત 50થી વધારે નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી છે.
મંગળવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ, પૂર્વ મંત્રી અબ્દુલ મજીદ વાની, પૂર્વ ધારાસભ્ય બલવાન સિંહ, પૂર્વ મંત્રી ડૉ. મનોહર લાલ શર્મા, પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ વિનોદ મિશ્રા, વિનોદ શર્મા, નરેન્દ્ર શર્મા સહિત 50થી વધારે નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામા આપ્યા છે. આ તમામ નેતાઓએ જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ગુલામ નબી આઝાદને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
તો બીજી બાજુ મંગળવારે કોંગ્રેસ જમ્મુમાં શક્તિ પ્રદર્શનની તૈયારીમાં છે. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ વિકાર રસૂલની સાથે AICCના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ મામલાના પ્રભારી રજની પાટીલ મંગળવારે જમ્મુ પહોંચી રહ્યા છે. જમ્મુ એરપોર્ટથી પાર્ટી હેડક્વાર્ટર સુધી રેલીના રૂપમાં બંને નેતાઓનું સ્વાગત કરીને પાર્ટીનું ડેમેજ કંટ્રોલ કરવાની યોજના છે.
આ પહેલા સોમવારે પૂર્વ ડેપ્યુટી સ્પીકર ગુલામ હૈદર મલિક સહિત કોંગ્રેસના ત્રણ વધુ નેતાઓએ સોમવારે દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદને ટેકો આપવા પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કઠુઆના બની વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હૈદર મલિક, કઠુઆથી પૂર્વ એમએલસી સુભાષ ગુપ્તા સહિત ડોડાના પૂર્વ એમએલસી શ્યામ લાલ ભગતે પાર્ટીના હાઈકમાન્ડને પોતાના રાજીનામા મોકલ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત રમખાણ સિવાય વધુ 2 મોટા કેસને લઈને સુપ્રીમ કોર્ટે કર્યો મોટો નિર્ણય