જમ્મુ-કાશ્મીર: બારામુલ્લામાં આતંક મચાવવાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોને IED મળી આવ્યા
- જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવતા, સુરક્ષા દળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી એક IED મેળવ્યો અને તેને નષ્ટ કરી દીધો છે.
બારામુલ્લા: IED મળ્યા બાદ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ઘટનાની માહિતી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 9 સપ્ટેમ્બરના રોજ, જમ્મુ અને કાશ્મીરમાં હાઇબ્રિડ આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરતી વખતે, સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાં ત્રણ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
4 સપ્ટેમ્બરના રોજ, જમ્મુ-પૂંચ હાઈવે પર સુરક્ષા દળોના વાહનોને ભારે નુકસાન પહોંચાડવાના ષડયંત્રના ભાગ રૂપે લગાવવામાં આવેલ IED સુરક્ષા દળો દ્વારા મળી આવ્યો હતો. લગભગ ત્રણ કિલો વજનનું ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નરિયા ગામ પાસે હાઇવે પર એક પુલિયાના કિનારે છુપાવવામાં આવ્યું હતું. સૈન્યની રોડ ઓપનિંગ પાર્ટીએ સવારે પાંચ વાગ્યાની આસપાસના સમયમાં IED શોધી કાઢ્યું હતું. ત્યાર પછી હાઈવે પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
ગયા બુધવારે, જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં બે આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ પછી, સુરક્ષા દળોએ ત્યાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે મંડીના સાવજીન વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા. તેમણે કહ્યું કે ગુરુવારે એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-47, ચાર મેગેઝીન, એક પિસ્તોલ, બે મેગેઝીન અને 44 કારતૂસ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર થાણે દુર્ઘટના: 40 માળની બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકના મોત