ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાન બોર્ડર પાસે શંકાસ્પદ ગતિવિધિઓ, આતંકીઓ છુપાયાની શંકા

Text To Speech

કઠુઆ, 23 માર્ચ : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે શંકાસ્પદ ગતિવિધિઓને પગલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે સાયલ ગામમાં કેટલાક શંકાસ્પદ લોકોને જોયા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આર્મી, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG), અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સંયુક્ત રીતે વ્યૂહાત્મક કામગીરી કરી રહ્યા છે, જેથી કોઈપણ સંભવિત ખતરાનો જલદીથી સામનો કરી શકાય.

ગાઢ જંગલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન

સૂત્રોના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓના ભારે સશસ્ત્ર જૂથને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ભીષણ અથડામણ થઈ હતી. આ વિસ્તાર ગીચ જંગલ હોવાને કારણે કામગીરીમાં સમય લાગી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

2-3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 2 થી 3 શંકાસ્પદ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળો એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે સુરક્ષામાં કોઈ ખામી ન સર્જાય અને પરિસ્થિતિને જલ્દી નિયંત્રણમાં લાવી શકાય.

સેનાએ એન્કાઉન્ટર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો!

વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે અને સુરક્ષા દળોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા દળો કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે અને એન્કાઉન્ટર વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- મહેસાણાના પિતા-પુત્રીની USમાં હત્યા કેમ થઈ? સામે આવ્યું ચોંકાવનારુ કારણ

Back to top button