નેશનલ

જમ્મુ કાશ્મીર : ખીણમાં સતત બીજા દિવસે એન્કાઉન્ટર, જૈશનો એક આતંકવાદી ઠાર

Text To Speech

દક્ષિણ કાશ્મીરના કુલગામમાં મંગળવારે સતત બીજા દિવસે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. અન્ય એક આતંકીને ઘેરી લેવામાં આવ્યો છે. ગઈકાલે સોમવારે જૈશ કમાન્ડર પાકિસ્તાની આતંકીને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. જૈશના બે આતંકીઓને 24 કલાકમાં ઠાર કરવામાં સફળતા મળી છે.

આતંકીઓ અંગે માહિતી મળતા જ ઘેરબંધી કરી

પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના અહવાતુ ગામમાં આતંકવાદીઓની હાજરીની સૂચના પર સુરક્ષા દળોએ ઘેરાબંધી શરૂ કરી હતી. આ દરમિયાન જ્યારે ઘેરાબંધી ચુસ્ત હતી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમને આ તક આપી ન હતી.

જવાનો ઉપર ફાયરિંગ કરતા વળતો જવાબ આપ્યો

ઘણી વખત આત્મસમર્પણની અપીલ કર્યા પછી પણ તેઓએ સાંભળ્યું નહીં અને સુરક્ષા દળો પર ગોળીબાર ચાલુ રાખ્યો. આ પછી સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં એક આતંકવાદી માર્યો ગયો. એડીજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે સ્થાનિક આતંકવાદીઓ ઘેરાયેલા હોવાના અહેવાલ છે, જેમાં એક માર્યો ગયો છે. બંને અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા સોમવારે જૈશ ચીફ પાકિસ્તાની આતંકવાદી અબુ હુરેરા બાટપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેની પાસેથી હથિયાર અને ગ્રેનેડ મળી આવ્યા હતા. એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા જવાન અને બે નાગરિકોની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.

દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની ગતિવિધિ વધી છે

દક્ષિણ કાશ્મીરમાં ગતિવિધિઓ વધી રહી છે ત્યારે શનિવારે રાત્રે પુલવામામાં આતંકવાદીઓએ હુમલો કરીને બે બહારના મજૂરોને ઘાયલ કર્યા હતા. આ ઘટના બાદથી સુરક્ષા દળોએ પુલવામા અને સમગ્ર દક્ષિણ કાશ્મીરમાં વધારાની તકેદારી રાખી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Back to top button