મહારાષ્ટ્ર: જલગાંવ રેલ દુર્ઘટનામાં મૃત્યુનો આંક 13 થયો, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મહારાષ્ટ્ર સરકારે આર્થિક મદદની જાહેરાત કરી
જલગાંવ, 23 જાન્યુઆરી 2025: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બુધવાર સાંજે મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગની અફવા બાદ મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી. ટ્રેનમાં સવાર પેસેન્જર આગ લાગવાના ડરથી બાજુના પાટા પર કુદવા લાગ્યા. આ દરમ્યાન દુર્ભાગ્યથી વિપરીત દિશામાં બીજી ટ્રેન આવી રહી હતી. ત્યારે અમુક મુસાફરો આ ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. અધિકારીઓએ આ દુર્ઘટનામાં કમસે કમ 13 મુસાફરોના મૃત્યુ થયા હોવાની જાણકારી આપી છે.
આ દુર્ઘટના ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા નજીક માહેજી અને પરધાડે સ્ટેશનની વચ્ચે થઈ હોવાનું કહેવાય છે. ટ્રેન નંબર 2533 લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. મુસાફરો જીવ બચાવવા માટે બાજુના પાટા પર કુદવા લાગ્યા અને બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં કમસે કમ 15 મુસાફરો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.
પીએમ મોદીએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
જો કે, રેલવે બોર્ડના સૂચના અને માહિતી પ્રસારણ વિભાગના કાર્યકારી નિદેશક દિલીપ કુમારે ટ્રેનની અંદર આગ લાગવાની ઘટનાને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, અમને જે સૂચના મળી છે તે અનુસાર, ડબ્બામાં કોઈ ચિંગારી અથવા આગ દેખાઈ નથી. પણ આ બધા છતાં સવાલ એ છે કે, આખરે આગ લાગી નહોતી તો પછી તેની અફવા કેવી રીતે ફેલાઈ, આટલા લોકોએ પોતાનો જીવ જોખમમાં નાખવા માટે કેમ મજબૂર થયા?
હાલમાં રેલવે અધિકારી દુર્ઘટનાનું અસલી કારણ શોધી રહ્યા છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમઓએ પીએમ મોદીના હવાલેથી એક્સ પોસ્ટમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના જલગાંવમાં રેલવે ટ્રેક પર દુખદ દુર્ઘટનાથી દુ:ખી છું. હું શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું અને તમામ ઘાયલોને જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું. અધિકારી પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ કરી રહ્યા છે.
ફડણવીસે આર્થિક મદદની જાહેરાત કરી
તો વળી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વિટઝરલેન્ડના દાવોસમાંથી એક વીડિયો જાહેર કરીને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, જલગાંવ જિલ્લાના પચોરા નજીક એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં લોકોના જીવ ગયા, જે ખૂબ જ દુ:ખદ છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. તેમણે આ ત્રાસદીમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારને 5-5 લાખ રુપિયાની આર્થિક સહાયની ઘોષણા કરી છે.
આ પણ વાંચો: દેશભરમાં ખોલવામાં આવશે 100 નવી સૈનિક સ્કૂલ, છોકરીઓને પણ મળશે એડમિશન: રાજનાથ સિંહની મોટી જાહેરાત