દાદાગીરી કરનારા 4.5 અબજ ડૉલરની મદદ નથી આપતા: જયશંકરનો માલદીવ પર કટાક્ષ
નવી દિલ્હી, 04 માર્ચ: વિદેશ મંત્રી એસ જયશંકરે માલદીવને બરાબરનો જવાબ આપ્યો છે. ભારતને ‘બિગ બુલી’ કહેનાર માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુના નિવેદન પર તેમણે કહ્યું કે જ્યારે પાડોશી દેશો મુશ્કેલીમાં હોય છે, ત્યારે બુલીઝ 4.5 બિલિયન ડૉલરની મદદ કરતા નથી. જયશંકરનું આ નિવેદન માલદીવના પ્રમુખ મુઇઝ્ઝુના નિવેદનના સંબંધમાં આવ્યું છે, જે તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં આપ્યું હતું. મુઇઝ્ઝુએ કહ્યું હતું કે આપણો દેશ ભલે નાનો હોય, પરંતુ તે કોઈને આપણી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ આપતું નથી. મહત્ત્વનું છે કે, મોહમ્મદ મુઇઝ્ઝુ પ્રમુખ બન્યા છે ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખાસ્સી કડવાશ આવી છે.
દાદાગીરી કરતો દેશ મુશ્કેલ સમયમાં સાથ આપતો નથી: જયશંકર
એક કાર્યક્રમમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા મેટર્સ‘ વિશે વાત કરતી વખતે જયશંકરે કટોકટીમાં પડોશી દેશોને મદદ કરવામાં ભારતની સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. જયશંકરે કહ્યું, તમે એમ કહો છો કે, ભારત દાદાગીરી કરે છે તો, આ દાદાગીરી કરનારો દેશ તેના પાડોશી દેશને મુશ્કેલ સમયમાં ચાર અબજ ડૉલર આપતો નથી. ધાક-ધમકી જમાવનાર દેશ કોરોના દરમિયાન અન્ય દેશમાં રસી સપ્લાય કરતા નથી. યુદ્ધ કે કટોકટીમાં ફસાયેલા દેશોની ખોરાક અને દવાની જરૂરિયાતોને પૂરી પાડતા નથી.
તેમણે કહ્યું કે આજે તમારે જોવું પડશે કે ભારત અને તેના પાડોશી દેશો વચ્ચે શું બદલાવ આવ્યો છે. ચોક્કસપણે બાંગ્લાદેશ અને નેપાળ સાથેના વેપાર સંબંધો સુધર્યા છે. ત્યાં એવા રસ્તા છે, જે એક દાયકા પહેલા નહોતા. એવી રેલવે સેવા છે જ્યાં એક દાયકા પહેલા કોઈ નહોતી. છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશ સાથે રોકાણ અને વેપાર વધ્યો છે. આમાં માલદીવ પણ સામેલ છે.
મુઇઝ્ઝુએ ચીનની મુલાકાત પછી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુએ આ વર્ષે જાન્યુઆરીમાં પાંચ દિવસ માટે ચીનની મુલાકાત લીધી હતી. ચીનથી પાછા ફરતાની સાથે જ તેમણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. કહ્યું કે, આપણો દેશ ભલે નાનો હોય, પરંતુ તે કોઈને આપણી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ આપતું નથી. જો કે, મુઇઝ્ઝુએ કોઈનું નામ લઈને સીધું આ નિવેદન આપ્યું નથી. પરંતુ એવું માનવામાં આવતું હતું કે તેમનું લક્ષ્ય ભારત તરફ હતું. ચીન તરફી ગણાતા મુઇઝ્ઝુએ તેમની પાંચ દિવસની ચીન મુલાકાત દરમિયાન પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે.
આ પણ વાંચો: માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવામાં આવ્યા, કોણ રાખશે ભારતીય સંપત્તિઓની દેખરેખ?