ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઉરી-પુલવામા પર જયશંકરની ટિપ્પણી, કહ્યું: જેમને મેસેજ આપવાનો હતો, તેમને મળી ગયો હશે

  • ભારતનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે આતંકી ક્રિયાઓને સહન કરવામાં આવશે નહીં અને તેની કિંમત ચૂકવવી પડશે: વિદેશ મંત્રી 

નવી દિલ્હી, 23 મે:  નવી દિલ્હીમાં ‘વિકસિત ભારત@2047’ પર બુધવારે ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે 26/11ના આતંકવાદી હુમલા અને ઉરી અને પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારતની પ્રતિક્રિયાની સરખામણી કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ઉરી અને પુલવામા આતંકી હુમલાઓ પર ભારતની પ્રતિક્રિયાએ જવાબદારોને “સ્પષ્ટ સંદેશ” આપ્યો છે કે તેઓ હવે સરહદ પાર હોય તો પણ “સુરક્ષિત” નથી. પુલવામા અને ઉરી હુમલા બાદ ભારતની પ્રતિક્રિયા કડક છે. તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે આવી ક્રિયાઓને સહન કરવામાં આવશે નહીં અને તેની કિંમત ચૂકવવી પડશે.”

 

PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (PHDCCI) દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ‘જો આપણે મુંબઈમાં 26/11ના રોજની આપણી પ્રતિક્રિયા અને ઉરી-બાલાકોટ પરની આપણી પ્રતિક્રિયા જોઈએ તો વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે. મને લાગે છે કે, આનાથી વધુ સ્પષ્ટ રીતે કોઈ સમજાવી શકે નહીં, તમે પણ આ જાણો છો. આજે પણ સશસ્ત્ર બળ એ જ છે, અમલદારશાહી પણ એ જ છે, બુદ્ધિમત્તા પણ એ જ છે.”

26/11 પછી કોઈ મજબૂત પ્રતિક્રિયા ગઈ નથી

જયશંકરે કહ્યું કે, “ઉરી અને પુલવામા હુમલા પછી ભારતની પ્રતિક્રિયાએ “સ્પષ્ટ, સીધો સંદેશ” મોકલ્યો અને જેમને આ સંદેશ આપવામાં આવ્યો હતો તેઓને તે મળી ગયો હશે તેવી આશા છે.” વિદેશ મંત્રીએ વધૂમાં કહ્યું કે , “26/11 જેવી મોટી ઘટના આપણી તરફથી કોઈ કડક પ્રતિક્રિયા વિના બની અને ઘણી રીતે તેણે બીજી બાજુ એવો સંદેશ આપ્યો કે આ દેશ પર હુમલો કરી શકાય છે.”

સર્જીકલ અને એર સ્ટ્રાઈક દ્વારા સીધો સંદેશ મોકલવામાં આવ્યો

બાલાકોટનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘જો તમે કંઈ પણ કરશો તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે અને એવું ન વિચારશો કે તમે કંઈક કર્યું છે અને બીજી બાજુ ભાગી ગયા કે ત્યાં તમે ત્યાં સુરક્ષિત છો. તમે ત્યાં સુરક્ષિત રહેશો નહીં. તમે નિયંત્રણ રેખા કે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને પણ સુરક્ષિત નહીં રહી શકો. તેથી ત્યાં એક સ્પષ્ટ, સીધો સંદેશ હતો અને મને લાગે છે કે જે લોકોને તે સંદેશ મોકલવાનો હેતુ હતો, આશા છે કે તેઓને તે મળી ગયો હશે.’

મુંબઈ હુમલામાં 166થી વધુ લોકો માર્યા ગયા હતા

મહત્ત્વપૂર્ણ છે કે, 26 નવેમ્બર, 2008ના રોજ, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક ગ્રુપે મુંબઈની સડકો પર નરસંહાર કર્યો હતો અને શહેરના ઘણા મોટા સાર્વજનિક સંસ્થાઓ પર નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં વિદેશીઓ સહિત 166થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા.

2016માં, ભારતે કાશ્મીરના ઉરીમાં આર્મી બેઝ પરના હુમલાના જવાબમાં પાકિસ્તાન-અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoK)માં આતંકવાદી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 2019માં, પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ ભારતીય CRPF જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં પાકિસ્તાની આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો.

આ પણ જુઓ: દેશની નવી સરકારને RBI તરફથી 2.11 લાખ કરોડ રૂપિયાનો ચેક મળશે, કેન્દ્રીય બેંકે પ્રથમ વખત આ પગલું ભર્યું

Back to top button