કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ આખરે ‘ઘરભેગો’ થશે, લંડન કોર્ટે ભારત લાવવા આપી મંજૂરી

  • હત્યા, હત્યાની કોશિષ, ઉઘરાણી, જમીન કબજા જેવા અનેક ગુનાઓ
  • જયેશ અને ગેંગ સામે નોંધાયો છે ગુજસીટોકનો ગુનો
  • જયેશ ગેંગના 14 સાગરીતોની કરાઈ છે ધરપકડ

ગુનાખોરી અને વ્હાઈટ કોલર ગેંગ ઉભી કરી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ત્યારબાદ રાજ્યભરમાં દહેશતનો માહોલ ઉભો કરનાર કુખ્યાત ગેંગસ્ટર જયેશ પટેલને આખરે લંડનથી ભારત લઇ આવવાનો કાયદાકીય માર્ગ મોકળો થયો છે. પાંચ વર્ષ પૂર્વે વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી ભારત છોડી વિદેશ નાશી ગયેલ જયેશ લંડન પોલીસના હાથે પકડાઈ ગયા બાદ પોણા બે વર્ષ સુધી કાયદાકીય પ્રક્રિયા ચાલી હતી. આખરે જામનગર પોલીસની મહેનત રંગ લાવી છે અને લંડન કોર્ટે સતાવાર રીતે ચુકાદો આપી જયેશને ભારત સોંપવાનો નિર્ણય કર્યો છે. બંને દેશો વચ્ચેની ઔપચારિક કાયદાકીય વિધિ પૂર્ણ થઇ ગયા બાદ હવે ટૂંક સમયમાં જયેશ પટેલ જામનગર પોલીસ કસ્ટડીમાં હશે.

દશકામાં 40 કરતા વધુ જમીન કૌભાંડ

વર્ષ 2010થી 2020 સુધીના દાયકામાં અનેક જમીન કૌભાંડ આચરી ઓર્ગેનાઈઝ ક્રિમીનલ બની ગયેલ જયેશ પટેલ હવે ટૂંક સમયમાં જામનગર પોલીસના હાથમાં હશે. વાંધામાં પડેલ જમીનના સોદાઓ કરી અનેક જમીન કૌભાંડ આચરી જયેશ પટેલ જામનગરમાં ટૂંકા ગાળામાં ખુબ પૈસાપાત્ર બની ગયો હતો. જયેશ સામે 40થી વધુ જમીન કૌભાંડની ફરીયાદ નોંધાઈ છે. આવા જ એક જમીન કૌભાંડમાં જયેશ પટેલની સામા પક્ષે વકીલ કિરીટ જોશીએ કાયદાકીય રીતે જયેશને મોટી ચુનૌતી આપી હતી. નગરના વકીલ કિરીટ જોશીની કોર્ટ સમક્ષ છણાવટને લઈને જયેશને જમીન પ્રકરણમાં છેક સુપ્રીમ કોર્ટ સુધી લાંબુ થવું પડ્યું હતું. જેના રંજને લઈને જયેશે ભાડુતી મારાઓ રોકી વર્ષ 2018માં કિરીટ જોશીની હત્યા નીપજાવી ભારત છોડી નાશી ગયો હતો.

વિદેશ ભાગી ગયા બાદ વ્હાઈટ કોલર ગેંગ ઉભી કરી

ભારત છોડી નાશી ગયા બાદ જયેશ ખરા રંગમાં આવ્યો હતો અને વ્હાઈટ કોલર ગેંગ ઉભી કરી ખંડણી વસુલવી શરુ કરી હતી અને શહેરના અનેક માલેતુજારોને ધમકાવી, ફાયરીંગ કરાવી, ભય બતાવી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવી શરુ કરી હતી. જોત જોતામાં અનેક માલેતુજારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લઇ શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.

સરકારે સ્પેશિયલ ટીમ મૂકી જયેશ આણી ટોળકીને સાણસામાં લીધી

આ ઘટનાઓ બાદ સફાળી જાગેલ રાજ્ય સરકારે પોલીસની સ્પેશ્યલ ટીમ જામનગરમાં મૂકી ઓપરેશન જયેશ પટેલ હાથ ધર્યું હતું. પોલીસે જયેશ પટેલ સહીત તેની વ્હાઈટ કોલર ગેંગ સામે ગુજ્સીટોક સબંધિત કાર્યવાહી કરી તેની ગેંગના 14 શખ્સોને જેલમાં પૂરી દીધા હતા. દરમિયાન નાસતો ફરતો જયેશ પણ લંડન પોલીસના હાથે પકડાઈ ગયો હતો. આ કેસમાં જયેશ પટેલ ઉપરાંત રમેશ અભંગી, સહીત ત્રણ હજુ ફરાર છે. જયેશ લંડન પોલીસના હાથે પકડાયા બાદ ગુજરાત પોલીસે બંને દેશની એલચી કચેરી થ્રુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી પરત લઇ આવવા ખટલો ચલાવ્યો હતો.

દર પખવાડિએ લંડન કોર્ટ સમક્ષ પોલીસ થતી હાજર

જામનગર એસપીના જણાવ્યા અનુસાર જામનગર પોલીસ વતી એસપી પ્રેમસુખ ડેલું અને ઓપરેશન જયેશ પટેલમાં જેની મહત્વની ભૂમિકા છે એવા દેવભૂમિ દ્વારકા એસપી નીતેશ પાંડે દર પખવાડિએ લંડન કોર્ટ સમક્ષ વીસીથી જોડાતા હતા, દર વખતે જયેશ પટેલ પોતે નિર્દોષ હોવાની વાહિયાત દલીલ કોર્ટ સમક્ષ કરી ભારતમાં પોતાના જીવનું જોખમ હોવાનું અને જામનગર પોલીસ પર અનેક આક્ષેપ કરતો હતો.

જયેશને ઘરભેગો કરવા 300 પેજની કોપી મોકલી

આ આક્ષેપ સામે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડાઓ દ્વારા એક એક પોઈન્ટ પર છણાવટ કરી, લંડન કોર્ટનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા. આખરે આજે લંડન કોર્ટે સાંજે સાડા સાત વાગ્યે જામનગર એસપીને સતાવાર રીતે મેઈલ કરી જયેશ પટેલને ભારત પરત મોકલવા પર આપેલ ચુકાદાની 300 પેજની કોપી મોકલી આપી છે. હવે બંને દેશ વચ્ચે ઓપચારિક કાયદાકીય પ્રક્રિયા બાદ ટૂંક સમયમાં જયેશ જામનગર પોલીસના કબ્જામાં હશે એમ જામનગર એસપી પ્રેમસુખ ડેલુંએ જણાવી જામનગર પોલીસની મહેનતનું આ પરિણામ હોવાનું જણાવ્યું હતું.

Back to top button