અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ બાદ જૈન સમાજનો ભવ્ય “સ્પર્શ મહોત્સવ” ઉજવાશે
અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ બાદ બીજો એક ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આવતી કાલે એટલે કે 15મી જાન્યુઆરીથી જૈન સમાજનો સ્પર્શ મહોત્સવ શરૂ થશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજનો મહાવિરાટ ‘સ્પર્શ મહોત્સવ’ યોજાવા જઈ રહ્યો છે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામા આવશે. તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ મહોત્સવમાં 3 દિવસની શિબિરમાં જોડાશે તેવુ પણ જાણવા મળી રહ્યું છે.
15થી 26 જાન્યુઆરી સુધી યોજાશે આ ભવ્ય મહોત્સવ
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બાદ જૈન સમાજનો વિરાટ ‘સ્પર્શ મહોત્સવ’ યોજાશે. તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ સ્પર્શ મહોત્સવ 15થી 26 જાન્યુઆરી સુધી ચાલશે. પદ્મ ભૂષણ અને જૈન સમાજના ગુરુ રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તક વિમોચન નિમિત્તે આ ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે સમિતિ તરફથી છેલ્લા 3 વર્ષથી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. 3 વર્ષ પહેલાથી જ મહોત્સવમાં લોકોને આમંત્રણ આપવા માટે 2 હજારથી વધારે સોશિયલ મીડિયા ગ્રુપ શરૂ કરી દેવામાં આવ્યા છે.
જાણો તેમા શુ હશે ખાસ
અમદાવાદ ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં 1500 ફૂટ પહોળો અને 70 ફૂટ ઉંચો શાહી પ્રવેશદ્વાર બંગાળી કારીગરો દ્વારા તૈયાર કરવામા આવ્યો છે. તેમજ આ મહોત્સવમાં અનેક પ્રતિકૃતિઓ સાથે આકર્ષણના કેન્દ્રો પણ ઉભા કરવામા આવ્યા છે. તેમજ GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા આ જૈન સમાજના સૌથી મોટા સ્પર્શ મહોત્સવમાં CA અને ડોક્ટર્સ સહિત 40 હજાર સ્વયંસેવક સેવા આપશે. આ મહોત્સવમાં 500થી વધુ સ્વયંસેવકો ધર્મશાળા, હોટેલ તેમજ ઉતારા વ્યવસ્થા માટે સેવા આપશે. આ ઉપરાંત બહારગામથી આવતા જૈનાચાર્ય, સાધુ-સાધ્વજીઓની સેવામાં 200 જેટલા વિહાર ગ્રુપના સ્વયંસેવકો ખડેપગે હાજર રહેશે. સાથે જ આ સ્પર્શ મહોત્સવમાં એક આધુનિક ટેક્નોલોજીવાળી મિની હોસ્પિટલની વ્યવસ્થા પણ કરવામા આવી છે. જેમાં 25 ડોક્ટરો સહિત 50થી વધુ મેડિકલ સ્ટાફ 24 કલાક સેવા આપશે. આ ઉપરાંત મહોત્સવ સ્થળ પર 3 એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે.
સ્પર્શ મહોત્સવમાં વિવિધ આકર્ષણના કેન્દ્રો
અમદાવાદ ખાતે આયોજીત આ ભવ્ય મહોત્સવનું 90 એકરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઉંચો શાહી એન્ટ્રી ગેટ, ગિરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ, ધર્મ ગુરુ-સંતોના પ્રવચન સાંભળવા 25000ની કેપેસિટીવાળા ટેન્ટ, 25000 લોકો એકસાથે બેસી ભોજન કરી શકે તેવી વ્યવસ્થા, 4 ભાગોમાં વિવિધ પ્રકારની ગેલેરીઓ, 250-250 લોકોની ક્ષમતાવાળા 2 થિયેટરો , બાળકો માટે બાળનગરી તેમજ ફન ઝોન, મેદાનમાં સરસ્વતી અને લક્ષ્મી દેવીનું મંદિર વગેરે આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુરતની ત્રણ મોટી હોસ્પિટલોને PMJAY –MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ માટે સસ્પેન્ડ થઈ