જૈન મુની બ્રહ્મલીનઃ છત્તીસગઢ સરકારે શોક જાહેર કર્યો, કોણ હતા આચાર્ય વિદ્યાસાગર?
રાયપુર (છત્તીસગઢ), 18 ફેબ્રુઆરી: વિશ્વ પ્રસિદ્ધ જૈન મુની આચાર્ય વિદ્યાસાગર જી મહારાજ બ્રહ્માંડમાં લીન થયા છે. તેમના નિધન બાદ છત્તીસગઢ સરકારે અડધા દિવસનો શોક જાહેર કર્યો છે. છત્તીસગઢ પ્રશાસન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ સરકારી ઇમારતોમાં રાષ્ટ્ર ધ્વજ અડધો ઝુકાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી સ્તરે કોઈ મનોરંજન કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. સાથોસાથ, મધ્યપ્રદેશમાં પણ આજે અડધા દિવસનો શોક જાહેર કરાયો છે. નોંધનીય છે કે, જૈન આચાર્ય વિદ્યાસાગર જી મહારાજ કેટલાક દિવસોથી બીમાર હતા. તેમણે 77 વર્ષની વયે ચંદ્રગિરિમાં અંતિમ શ્વાસ લીધા. આ સમાચારથી સમગ્ર જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આજે જૈન સમાજની દુકાનો બંધ રહેશે
આચાર્ય વિદ્યાસાગરજી મહારાજની સમાધિ નિમિત્તે આજે દેશભરના જૈન સમાજના લોકો પોતાની દુકાનો બંધ રાખશે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 કલાકે ચંદ્રગિરિ તીર્થ ખાતે કરવામાં આવશે. અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે દેશભરમાંથી તેમના શિષ્યો ચંદ્રગિરિ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આચાર્ય વિદ્યાસાગરે 6 ફેબ્રુઆરીએ યોગ સાગરજી સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ આચાર્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
વિદ્યાસાગર જી મહારાજ કોણ છે?
વિશ્વ વિખ્યાત સંત શિરોમણી ગુરુ દેવ વિદ્યાસાગરજી મહારાજનો જન્મ 10 ઑક્ટોબર 1946ના રોજ શરદ પૂર્ણિમાના દિવસે કર્ણાટકના બેલગામ જિલ્લાના સદલગામાં વિદ્યાધર તરીકે થયો હતો. તેમના પિતા મલ્લપ્પા હતા જેઓ પાછળથી 108 મુની મલ્લિસાગર બન્યા હતા. તેમની માતા શ્રીમંતિ જે પાછળથી આર્યિકા 105 સમયમતી માતાજી બન્યા હતા. આચાર્ય વિદ્યાસાગર જીએ દીક્ષા 30 જૂન 1968ના રોજ અજમેરમાં 22 વર્ષની વયે આચાર્ય જ્ઞાનસાગર દ્વારા લીધી હતી, જેઓ આચાર્ય શાંતિસાગર જીના શિષ્ય હતા. આચાર્ય વિદ્યાસાગર જીને 22 નવેમ્બર 1992ના રોજ ગુરુ જ્ઞાનસાગરજી દ્વારા આચાર્ય પદ આપવામાં આવ્યું હતું.
તેમના સિવાય ઘરના તમામ લોકો સન્યાસ લઈ ચૂક્યા છે. તેમના ભાઈઓ અનંતનાથ અને શાંતિનાથે આચાર્ય વિદ્યાસાગર જી પાસેથી દીક્ષા લીધી હતી અને તેઓ પાછળથી મુની યોગસાગર જી અને મુની સમયસાગર જી તરીકે ઓળખાયા.આચાર્ય વિદ્યાસાગર સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી અને કન્નડ સહિત વિવિધ આધુનિક ભાષાઓમાં નિષ્ણાત સ્તરનું જ્ઞાન ધરાવે છે. તેમણે હિન્દી અને સંસ્કૃતમાં મોટી સંખ્યામાં રચનાઓ લખી છે. 100 કરતાં વધુ સંશોધકોએ માસ્ટર્સ અને ડૉક્ટરેટ માટે તેમના કાર્યનો અભ્યાસ કર્યો છે.
આચાર્ય વિદ્યાસાગરે દુનિયાની તમામ મોજ શોખની વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. તેમનું ન કોઈ બેંક ખાતું છે કે ન કોઈ ટ્રસ્ટ. તેમણે સાંસરિક જીવનમાંથી મોહ-માયા છોડી દીધી હતી. લોકો જેમના નામ પર કરોડો રૂપિયાનું દાન કરે છે એ ગુરુદેવે સંપત્તિને ક્યારેય હાથ પણ લગાડ્યો નથી. આ સિવાય તેઓએ ખાંડ, નમક, મરી-મસાલા, શાકભાજી, ફળો, અંગ્રેજી ઔષધિ, દહીં, ડ્રાય ફ્રૂટ, તેલ તેમજ તમામ પ્રકારના ભૌતિક સાધનોનો આજીવન ત્યાગ કર્યો હતો.
આ પણ વાંચો: આચાર્ય વિદ્યાસાગર મહારાજે 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, PM મોદીએ દુ:ખ કર્યું વ્યક્ત