ડુપ્લિકેટ સિમ લેવા પર થશે જેલ, નવા ટેલિકોમ્યુનિકેશન કાયદામાં આકરી જોગવાઈ
અમદાવાદ, 21 ડિસેમ્બર : સાંસદોના સસ્પેન્શનને લઈને થયેલા હોબાળાની વચ્ચે બુધવારે 20 ડિસેમ્બરે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યું હતું.બુધવારે 20 ડિસેમ્બરે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 પસાર થઈ ગયું છે. આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે. આ બિલ 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટને બદલશે જે ટેલિકોમ સેક્ટરનું નિયમન કરશે.
રાજ્યસભામાં મોકલાયું બિલ
લોકસભામાં પાસ થયા બાદ હવે આ બિલને રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જો તે આ બિલ પર હસ્તાક્ષર કરશે તો દેશમાં ટેલિકોમ્યુનિકેશનને લઈને ઘણા મોટા ફેરફારો થશે. આ બિલમાં જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ ડુપ્લિકેટ સિમ ખરીદે છે તો તેને 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે, આ બિલમાં કંપનીઓને તેમના ગ્રાહકોને સિમ આપતા પહેલા તેમની બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત કરવા માટે કહેવામાં આવ્યું છે.
લાઇસન્સ મેળવવામાં પણ સરળતા રહેશે
આ સાથે આ બિલ સરકારને રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ટેકઓવર, મેનેજ અથવા સ્થગિત કરવાની મંજૂરી આપશે. એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડશે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર મેસેજને ઈન્ટરસેપ્ટ કરી શકશે. સાથે જ આ બિલમાં લાયસન્સિંગ સિસ્ટમને લઈને ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કંપનીઓને અલગ-અલગ સેવાઓ માટે અલગ-અલગ લાયસન્સ, પરમિશન અને રજિસ્ટ્રેશન કરવું પડતું હતું હવે તેમાં સરળતા રહેશે.
પ્રમોશનલ કૉલ અને મેસેજમાં ઘટાડો થશે
આ સાથે મોબાઈલ ઉપભોક્તાઓની સૌથી મોટી ફરિયાદ પ્રમોશનલ કૉલને લઈને છે. ઘણીવાર તમે પણ દરરોજ આ સમસ્યાથી પરેશાન થશો. તમને ક્રેડિટ કાર્ડ અને લોન લેવા માટે સમય સમય પર કૉલ આવતા હોય છે હવે આ સમસ્યાને રોકવા માટે સરકારે આ બિલમાં જોગવાઈ કરી છે. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે આવા પ્રમોશનલ કૉલ અને મેસેજ મોકલતા પહેલા તેમની સંમતિ લેવી પડશે. તે એમ પણ જણાવે છે કે ટેલિકોમ સેવાઓ પ્રદાન કરતી કંપનીએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે, જેથી વપરાશકર્તાઓ તેમની ફરિયાદો ઓનલાઈન નોંધાવી શકે.
આ પણ વાંચો : સાડી દિવસઃ સાડીના પ્રકાર અને તે પહેરવાની પદ્ધતિ વિશે તમે કેટલું જાણો છો?