ટ્રેન્ડિંગનેશનલ

જય શ્રી રામ કહીને અનુરાધા પોડવાલ જોડાયા ભાજપમાં

Text To Speech
  • અનુરાધા પોડવાલ એવા સમયે ભાજપમાં સામેલ થયા છે જ્યારે લોકસભા ચૂંટણીઓ યોજાવાની તારીખો જાહેર થઈ રહી છે. 1990 ના દાયકામાં અનુરાધા બોલિવૂડમાં ખૂબ લોકપ્રિય હતા

નવી દિલ્હી, 16 માર્ચઃ  પ્રખ્યાત સિંગર અનુરાધા પોડવાલ (70 વર્ષ) શનિવારે ભાજપમાં જોડાયા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ તેમને ટિકિટ આપીને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. આજે અનુરાધા ભાજપના દિલ્હી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અનુરાધા પોડવાલ એવા સમયે ભાજપમાં સામેલ થયા છે જ્યારે લોકસભા ચૂંટણીઓ યોજાવાની તારીખો જાહેર થઈ રહી છે. 1990 ના દાયકામાં અનુરાધા બોલિવૂડમાં ખૂબ લોકપ્રિય હતા. તેમણે અનેક સુપરહિટ ફિલ્મોના ગીતોમાં અવાજ આપીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. લગભગ 35 વર્ષ સુધી બોલિવૂડમાં યોગદાન આપ્યા પછી, તેઓ ભક્તિ સંગીતમાં પ્રવેશ્યા હતા.

સનાતન સાથે સંબંધ રાખનાર લોકો સાથે જોડાવું મારું સૌભાગ્ય

મીડિયા સાથેની ચર્ચા દરમિયાન અનુરાધાએ કહ્યું કે જય શ્રી રામ, આજે હું સનાતન સાથે આટલો ઊંડો સંબંધ ધરાવનારા લોકો સાથે જોડાઈ રહી છું, તે માટે હું ધન્યતાનો અનુભવ કરી રહી છું. 35 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિંગિંગ કર્યા બાદ હું ખુદ ભક્તિ સંગીતના માર્ગે વળી હતી. ઘણી વાર મારા મનમાં એક સવાલ થતો હતો કે મેં જે કર્યું તે યોગ્ય હતું કે નહિ. જ્યારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મને ગાવાનો મોકો મળ્યો અને હું ધન્ય થઈ ગઈ. આજે હું તમારી સાથે જોડાઈ રહી છું, તે મારું સૌભાગ્ય છે.

અનુરાધાની સિંગિંગ કરિયર

અનુરાધા પોડવાલનો જન્મ 24 ઓક્ટોબર 1954ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે 1973માં હિન્દી ફિલ્મ સંગીતમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેમને પહેલીવાર અમિતાભ બચ્ચન અને જયા પ્રદા સ્ટારર ફિલ્મ અભિમાન માટે ગાવાની તક મળી હતી. ત્યારબાદ તેમણે સુપરહિટ ફિલ્મ આશિકી, દિલ હૈ કિ માનતા નહિ અને અનિલ કપૂરની બેટામાં ગાવા માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભજન સંગીતમાં તો તેમનો ડંકો વાગી ગયો. 5 દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 13 ભાષાઓમાં 9000 થી વધુ ફિલ્મી ગીતો અને 1500 થી વધુ ભજનો રેકોર્ડ કર્યા છે.

આ પણ વાંચોઃ કેનેડિયન PM ટ્રુડો વડાપ્રધાન પદથી કંટાળી ગયા, કહ્યું – આ એક “ક્રેઝી જોબ” છે

Back to top button