ગુજરાતનું ગૌરવઃ સુપ્રસિદ્ધ લેખિકા હિમાંશી શેલતને મળ્યો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર
નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર, 2024: સુપ્રસિદ્ધ લેખિકા હિમાંશી શેલતને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. વર્ષ 2024 માટે તેમને આ પુરસ્કાર મળ્યો છે. સ્વ. કવિ કુવેમ્પુની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. 77 વર્ષીય હિમાંશી શેલતને જાન્યુઆરી 2025માં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા 2013માં સાહિત્યિક પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કોઈપણ ભારતીય ભાષામાં શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કરનાર સર્જકોને પ્રતિવર્ષ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કારમાં રજત ચંદ્રક અને પ્રમાણપત્ર ઉપરાંત રૂપિયા પાંચ લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. તદઅનુસાર 2024ના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે ટ્રસ્ટના અધ્યક્ષ બી. એલ. શંકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ સર્વસંમતિથી ડૉ. હિમાંશી ઈન્દુલાલ શેલતની ગુજરાતી ભાષામાં તેમનાં પ્રદાન દ્વારા ભારતીય સાહિત્યને સમૃદ્ધ બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે.
પસંદગી સમિતિના સભ્યો
ગુજરાતી લેખક અને અનુવાદક શરીફા વીજળીવાળા, સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ સચિવ અગ્રહાર કૃષ્ણમૂર્તિ અને કન્નડ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ પ્રોફેસર પુરુષોત્તમ બિલિમલે પસંદગી સમિતિના અન્ય સભ્યો હતાં.
સુરતમાં થયો છે જન્મ
1947માં ગુજરાતના સુરતમાં જન્મેલાં હિમાંશીબેને વી. એસ. નાયપોલની નવલકથાઓ પર પીએચડી પૂર્ણ કરી હતી. તેમણે નિબંધો, નવલકથાઓ, વિવેચકો અને અનુવાદિત કૃતિઓ સહિત 20 પુસ્તકો લખ્યાં છે. 1996માં હિમાંશીબેનને તેમના ટૂંકી વાર્તા સંગ્રહ ‘અંધારી ગલીમાં સફ઼ેદ ટપકાં’ માટે ગુજરાતી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. હવે રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા તેમને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારના ભાગરૂપે રોકડ પુરસ્કાર તરીકે 5 લાખ રૂપિયા, સિલ્વર મેડલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S
આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવઃ બનાસકાંઠા જિલ્લાનું મસાલી બન્યું દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ