યુટિલીટી

“જાગો ગ્રાહક જાગો” : આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને ઉદ્દેશ

સમગ્ર ભારતમાં દર વર્ષે ૨૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય એ છે કે રાષ્ટ્રના દરેક ગ્રાહક તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તે છે. આ વર્ષે “ગ્રાહક કમિશનમાં કેસોનો અસરકારક નિકાલ” (Effective Disposal of Cases in Consumer Commissions)ની થીમ સાથે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો :

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસનો ઈતિહાસ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસના ઈતિહાસની વાત કરવામાં આવે તો ૨૪ ડિસેમ્બર,૧૯૮૬ના રોજ “ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬” (Consumer Protection Act, 1986) બિલ પસાર થયું હતું. જેમાં વર્ષ ૧૯૮૭, વર્ષ ૧૯૯૧ અને વર્ષ ૧૯૯૩મા સુધારા બાદ ૧૫ માર્ચ, ૨૦૦૩થી  આ નિયમ લાગુ કરવામાં આવ્યો. આ પછી ૦૫ માર્ચ, ૨૦૦૪ થી તેને સંપૂર્ણ રીતે સૂચિત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વર્ષ ૨૦૦૦ માં મનાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસનો ઉદ્દેશ

આ ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ, સેવાઓમાં ઉણપ અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડવાનો છે. ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક અયોગ્ય વ્યાપારની ફરિયાદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં વ્યાપારી લેવડ-દેવડમાં હેરાફેરી વધારે થતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો હતો. જરૂર પડ્યે ત્યારે ગ્રાહકો તેમને મળેલા આ અધિકારોનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને સંરક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદ કરવાનો અધિકાર, નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારોનો ઉપયોગ કરીને ગ્રાહકો કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવી શકે છે.

Consumer Rights - Hum Dekhenge News
Jago Grahak Jago

“જાગો ગ્રાહક જાગો” ઝુંબેશ 

માણસ જન્મતા સાથે એક ગ્રાહક બની જાય છે. રોજ સવાર પડતાની સાથે આપણે આપણા ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ “જાગો ગ્રાહક જાગો” પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે સરકારે ગ્રાહક માહિતી અને શિક્ષણ માટે પ્રિન્ટ, મીડિયા જાહેરાતો, ઑડિયો ઝુંબેશ અને વિડિયો ઝુંબેશ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.

ગ્રાહકો ફરિયાદ કયાં નોંધાવી શકે છે ?

• જો કોઈ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર ૫૦ લાખ રૂપિયા કરતા ઓછું હોય તો ફરિયાદ જિલ્લા કમિશનમાં નોંધાવી શકાય તેમજ જ્યાં કામગીરી પૂરી અથવા આંશિક રીતે થઈ હોય અથવા જ્યાં પ્રતિવાદી રહેતો હોય અથવા જ્યાં વેપાર કરતો હોય કે તેની કોઈ શાખા હોય કે ગ્રાહક જ્યાં રહેતો હોય અથવા વ્યક્તિગત રીતે લાભ માટે કાર્ય કરતો હોય તે સંબંધિત જિલ્લા કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.

• જો કોઈ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર ૫૦ લાખ રૂપિયાથી વધુ અને ૨ કરોડ રૂપિયા સુધી હોય તો રાજ્ય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.

• જો કોઈ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર ૨ કરોડ રૂપિયાથી વધુ હોય તો રાષ્ટ્રીય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.

Consumer Rights Day - Hum Dekhenge News
Consumer Rights Day

કેવી રીતે ફરિયાદના કેસોનું નિરાકરણ થાય છે ? 

ગ્રાહકોના પડતર કેસોના નિરાકરણ માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા લોક અદાલતોનું પણ આયોજન કરવામાં આવે છે. સરકારનો હેતુ રાજ્ય અને જિલ્લા ગ્રાહક અદાલતોમાં લોક અદાલતને સંસ્થાકીય બનાવી ગ્રાહકના કેસોનો ઝડપી નિકાલ લાવવાનો છે. ગ્રાહક કમિશન દ્વારા પેન્ડીંગ કેસોની યાદી તૈયાર કરી લોક અદાલતમાં મોકલવામાં આવે છે. આ પહેલને અસરકારક બનાવવા માટે પેન્ડિંગ કેસની નોંધણી ઓનલાઈન પણ કરી શકે છે.

ગ્રાહક તરીકે આપણી પણ ફરજ છે કે, દરેક ચીજ વસ્તુઓ ખરીદતી વખતે હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યકિત છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ.

Back to top button