અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જગદીશ પંચાલ બનશે ગુજરાત BJP પ્રમુખ, આવતીકાલે રેલી સાથે પદગ્રહણ

અમદાવાદ, તા. 3 ઓક્ટોબર, 2025: જગદીશ પંચાલ ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) ના આગામી પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે. તેમણે આજે વિજયમુહૂર્તમાં કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મ ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સુપરત કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ પદ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે જગદીશ પંચાલ હવે બિનહરીફ જાહેર થયા છે.

આવતીકાલે સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ

નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ આવતીકાલે, 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે, કમલમ ખાતે યોજાશે.  મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.

રેલી સ્વરૂપે કમલમ જવા રવાના થશે

જગદીશ પંચાલ આવતીકાલે સવારે 10:00 વાગ્યે સત્તાવાર રીતે પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સંભાળશે. આ પહેલાં, તેઓ ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી સ્થિત તેમના નિવાસ્થાનેથી સવારે 8:30 વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ગાંધીનગર જવા નીકળશે.

આ રેલીમાં અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ જોડાશે. ગાંધીનગરના ભાટ નજીકથી અમદાવાદ શહેરના અન્ય કાર્યકર્તાઓ પણ તેમની સાથે રેલીમાં જોડાશે.

Back to top button