ટોપ ન્યૂઝમનોરંજન

ઠગ સુકેશ સાથે સંબંધ ભારે પડ્યાઃ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત

Text To Speech

બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે જેકલિન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જેકલિનની ત્રણવાર પૂછપરછ કરી હતી. હવે EDએ તેની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી ખંડણીના એક કેસમાં કરી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, જપ્ત કરેલી સંપત્તિમાંથી 7.12 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં છે. આ કેસમાં ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરતી હતી. કહેવાય છે કે જેકલિનની જપ્ત કરેલી સંપત્તિમાં 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ પણ સામેલ છે. EDએ જેકલિન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઇસ્યુ કરી છે.

સુકેશે જેકલિનને 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર તથા 1.8 લાખ ડોલર આપ્યા હતા. સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલિનના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા.

જેકલિન પાસે કરોડોની સંપત્તિ
જેકલિન પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તે પાસે અંદાજે 74 કરોડની નેટવર્થ છે. તે એક ફિલ્મ માટે અંદાજે 3-4 કરોડ રૂપિયા લે છે. 2019માં તેની વાર્ષિક આવક 9.5 કરોડ રૂપિયા હતી.

કોણ છે સુકેશ?
સુકેશ ચંદ્રશેખર કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. કહેવાય છે કે તેણે લેવિશ લાઈફસ્ટાઈલ જીવવા માટે 17 વર્ષની વયથી જ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું હતું. બેંગલુરુમાં ઠગાઈ કર્યા પછી તેણે ચેન્નઈ અને બીજાં શહેરોમાં પણ લોકોને નિશાન બનાવ્યા. તેના નિશાન પર ટોચના રાજનેતાઓ, બિઝનેસમેનથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ રહ્યા છે. સુકેશ હાઈપ્રોફાઈલ લોકોને ફોન કરીને ખુદને મોટો સરકારી અધિકારી ગણાવતો હતો. 2007માં તેણે ખુદને મોટો સરકારી અધિકારી ગણાવીને બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરાવવાના બદલામાં 100થી વધુ લોકોની સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે સુકેશની ધરપકડ પણ થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી સુકેશે ફરી લોકોને ઠગવાનું કામ ચાલુ રાખ્યું. સુકેશ પર 30થી વધુ કેસો નોંધાયેલા છે. કહેવાય છે કે તામિલનાડુમાં તે ખુદને પૂર્વ મુખ્યમંત્રીનો પુત્ર ગણાવતો હતો. તે ખુદને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીનો ભત્રીજો ગણાવીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે.

Back to top button