ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: ITBPની બસ ખીણમાં પડતા 7 જવાનો શહીદ, 32 ઘાયલ

Text To Speech

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ITBP જવાનોને લઈ જતી બસ ચંદનવાડી વિસ્તારમાં ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 7 જવાન શહીદ થયા છે, જેમાં 6 ITBP અને 1 પોલીસકર્મીનો સમાવેશ થાય છે. 32 જવાન ઘાયલ છે જેમાંથી 6ની હાલત ગંભીર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બસમાં 39 સૈનિકો સવાર હતા. તેમાં ITBP 37 અને જમ્મુ અને કાશ્મીર પોલીસના 2 જવાન હતા. બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

2 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

આઇટીબીપીના બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે અન્ય પાંચ જવાનોના સારવાર દરમિયાન મોત થયા. જો કે હજુ જાનહાનિ વધવાની આશંકા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના હેલિકોપ્ટરને ઘાયલોને લઈ જવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રાથી પરત ફરતી વખતે અકસ્માત

ચંદનવાડી પહલગામથી 16 કિમી દૂર છે. હાલમાં જ અમરના યાત્રા સમાપ્ત થઈ હતી. ત્યારે આવા સમયે યાત્રામાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષાદળના જવાનો પોતાની ટુકડીઓ સાથે પાછા ફરી રહ્યા હતા. કહેવાય છે કે, આ જવાનો પોતાની ડ્યૂટી પુરી કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થઈ જતાં બસ ખીણમાં ખાબકી હતી. બસ ખૂબ નીચે નદીના કિનારે ખીણમાં પડી હતી. કહેવાય છે કે, તેમાં ભારે નુકસાન થયુ હોવાની આશંકા જતાવામાં આવી રહી છે.

અગાઉ પણ થયો હતો અકસ્માત 

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મિની બસ રોડ પરથી ખીણમાં પડી હતી. જેમાં 18 લોકો ઘાયલ થયા હતા. બસમાં મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મિનિબસ બર્મિનથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને બસ ઘોરડી ગામ નજીક ખાડીમાં પડી ગઈ. 11 વિદ્યાર્થીઓ સહિત 18 ઘાયલોને સારવાર માટે ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Back to top button