IPL-2024નેશનલવિશેષસ્પોર્ટસ

બહેતર છે ધોનીએ રમવાનું છોડી દેવું જોઈએ, પૂર્વ દિગ્ગજોએ કેમ આવું કહ્યું?

Text To Speech

છેલ્લી ત્રણ સિઝનથી મહેન્દ્ર સિંઘ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની મેચમાં એકદમ નીચલા ક્રમે આવીને બેટિંગ કરે છે. પરંતુ ગઈકાલની મેચ બાદ ટીમ ઇન્ડિયાના બે પૂર્વ દિગ્ગજોનો ગુસ્સો ભારતના આ પૂર્વ મહાન કેપ્ટન પર ફાટી નીકળ્યો છે. આ દિગ્ગજોએ કહ્યું છે કે જો ધોનીએ આમ જ કરવું હોય તો બહેતર એ રહેશે કે તે ક્રિકેટ રમવાનું છોડી દે.

ભારતના બે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ હરભજન સિંઘ અને ઈરફાન પઠાણે ગઈકાલે પંજાબ કિંગ્સ સામેની મેચમાં મહેન્દ્ર સિંઘ ધોનીના છેક નવમા નંબરે બેટિંગ કરવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. ધોની માટે સહુથી આકરી ટીકા હરભજન સિંહે કરી છે. આ બંને ખેલાડીઓ હાલમાં ચાલી રહેલી IPL 2024માં સ્ટાર સ્પોર્ટ્સ તરફથી હિન્દી કોમેન્ટ્રી પણ કરી રહ્યા છે.

હરભજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ધોનીએ છેક નવમા નંબરે આવીને જ બેટિંગ કરવી હોય તો બહેતર એ રહેશે કે એ ક્રિકેટ રમવાનું જ છોડી દે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીને બદલે સારો વિકલ્પ એક ફસ્ટ બોલરનો રહેશે જે તેની જગ્યા લે અને ટીમનું બેલેન્સ બહેતર બનાવે.

હરભજને નવાઈ વ્યક્ત કરી હતી કે શાર્દુલ ઠાકુરને ગઈકાલની મેચમાં ધોનીની ઉપર મોકલવામાં આવ્યો હતો જ્યારે ઠાકુર કરતાં ધોની પાસે સિક્સરો મારવાની શક્યતાઓ વધુ હોય છે. હરભજન અહીં જ રોકાયો ન હતો તેણે કહ્યું હતું કે મહેન્દ્ર સિંઘ ધોનીને કોઈ કહી શકતું નથી. નવમા નંબરે બેટિંગ કરવાનો નિર્ણય તેનો પોતાનો જ હશે અને આમ કરીને તેણે પોતાની ટીમને જ અન્યાય કર્યો છે.

તો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ ધોનીના ગઈકાલના નિર્ણયની કડક શબ્દોમાં ટીકા કરી છે. પઠાણે કહ્યું હતું કે, ‘ધોનીનું નવમા નંબરે બેટિંગ કરવા આવવું એ CSK માટે સાવ નકામી રણનીતિ છે. મને ખબર છે કે તે હવે 42 વર્ષનો થયો છે, પરંતુ તેનું ફોર્મ જોરદાર છે અને તેણે જવાબદારી સમજીને જ્યારે 4 કે 5 ઓવર્સ બાકી હોય ત્યારે જ બેટિંગ કરવા આવવું જોઈએ. ફક્ત એક કે બે ઓવર્સ માટે બેટિંગ કરવાથી ચેન્નાઈ સુપર કિંગ્સને લાંબેગાળે કોઈજ ફાયદો નથી.’

ઈરફાન પઠાણના કહેવા અનુસાર સુપર કિંગ્સે હવે મોટેભાગે તેની બાકીની તમામ મેચો જીતવી જરૂરી છે અને તો જ તે પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ શકે તેમ છે. આથી એક સિનીયર પ્લેયર તરીકે, જે ફોર્મમાં પણ છે ધોનીએ બેટિંગ ઓર્ડરમાં ઉપર આવીને બેટિંગ કરવી જોઈએ જેથી ટીમની જીતવાની સંભાવનાઓ વધી જાય.

Back to top button