આખરે શિયાળાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, જેને કારણે હાડ થિજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઠંડીનો પારો 12 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે. શુક્રવારે નલિયામાં 4.9 ડીગ્રી સાથે વર્તમાન સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે આજે તેમાં થોડો સુધારો થયો છે અને 6 ડીગ્રી થયું છે. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે, ત્યારે કચ્છમાં કોલ્ડવેવ રહેશે. જ્યારે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી શકે છે અને લોકોને હાડ થીજવતી ઠંડી લાગશે.આ ઉપરાંત 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડીગ્રીથી નીચે નોંધાશે.તો રાજસ્થાનના માઉન્ટઆબુમાં પણ પારો ગગડી રહ્યો છે. ગુજરાતથી ફરવા ગયેલા પ્રવાસીઓમાં શીતલહેરથી મોજમાં આવી ગયા છે. જોકે ઠંડીથી બચવા તાપણાં કરતાં નજરે ચડ્યા હતા.
હાડ થીજવતી ઠંડીની શરૂઆત
રાજ્યભરમાં શીતલહેર પ્રસરી ગઈ હતી, જેને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી પ્રસરી ગઈ હતી, જેમાં 24મી ડિસેમ્બરે અમદાવાદમાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત વડોદરામાં 14 ડીગ્રી, સુરતમાં 17.6 ડીગ્રી, રાજકોટમાં 11.6 ડીગ્રી, દ્વારકામાં 19.2 ડીગ્રી, ભુજમાં 13.4 ડીગ્રી, ડીસામાં 11 અને વેરાવળમાં 15.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં 14 ડીગ્રી જેટલું તાપમાન રહેશે
અમદાવાદમાં 13.8 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડીગ્રીનો વધારો નોંધાયો હતો. જ્યારે આજે દિવસ દરમિયાન 27 ડીગ્રી નીચે જઈ શકે છે. સરેરાશ મહત્તમ તાપમાન હતું. અમદાવાદમાં આગામી પાંચ દિવસ સરેરાશ લઘુતમ તાપમાન 14 ડીગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નલિયાનો 10 વર્ષ જૂનો રેકોર્ડ હજી તૂટ્યો નથી
નલિયામાં 2 ડિસેમ્બર 2013, 30 ડિસેમ્બર 2015ના 2.6 ડીગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે ડિસેમ્બરમાં છેલ્લાં 10 વર્ષમાં નલિયામાં નોંધાયેલું સૌથી ઓછું તાપમાન છે. નલિયા ઉપરાંત ડીસા, પાટણ, ભુજ, રાજકોટ, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડીગ્રીથી નીચે નોંધાયો હતો.
હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું
25 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આથી રાજ્યવાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવતીકાલે 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે. તેમજ જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પારો ગગડ્યો છે. ગુજરાતમાં હાલ શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે ત્યારે ફરીથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે.
મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટડો થશે
હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે અને 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આવતીકાલ 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં વારંવાર વાતાવરણ બદલાશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્ય વાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે. જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં વાતાવરણમાં બદલાવ આવતાં ઠંડીનો માહોલ જામ્યો છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી લઘુતમ તાપમાનમાં સાત થી આઠ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનાં ચમકારાનો અહેસાસ નગરજનો અનુભવી રહ્યા છે. ઠંડી પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. કેમકે ઠંડી પડવાથી શિયાળુ પાક સારો થતો હોય છે.