
દેશના ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ અમેરિકા, કેનેડા અને જાપાનમાં પણ કાતિલ ઠંડી અને બરફનું તોફાને કહેર મચાવી છે. જોરદાર ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ઉત્તર ભારતમાં શીતલહેર
ઉત્તર ભારતના રાજ્યોમાં તેમા પણ ખાસ પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઇ રહી છે અને કાતિલ ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહો છે. ભયંકર શીતલહેરની ચપેટમાં ઉત્તર ભારત આવી ગયું છે. તેમજ ઉત્તર પ્રદેશ હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં કડકડતી ઠંડી વચ્ચે ધુમ્મસ પણ કોહરામ મચાવી રહી છે. આગામી 48 કલાક સુધી ધુમ્મસની આગાહી છે. પહાડી રાજ્યોમાં બરફવર્ષાની પણ આગાહી કરાવામા આવી છે. છેલ્લા એક સપ્તાહથી દેશના પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમી રાજ્યોમાં અસહ્ય ઠંડી અનુભવાઇ રહી છે.
આ પણ વાંચો : અમેરિકામાં તબાહી મચાવનાર હિમ-તોફાન માટે જવાબદાર ‘આર્ક્ટિક બ્લાસ્ટ’ શું છે? સમજો અહીં
ગુજરાતમાં પણ કાતિલ ઠંડી
ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના નલિયામાં ઠંડીનો પારો 5.8 ડિગ્રી પહોંચી ગયો છે. ઠંડા પવનના કારણે દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી છે. કચ્છમાં આજે પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના વિવિધ શહેરોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળતાં વાહન ચાલકોને દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી રહી છે.
અમદાવાદમાં દિવસે પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં સોમવારે રાત્રે 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું જ્યારે ડીસામાં 9.6, અને કંડલામાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 15 શહેરમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હજું પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર જોવા મળ્યું છે.
માઉન્ટ આબુમાં હાડ થિજાવતી ઠંડી
બીજી તરફ ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે અને પ્રથમવાર માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે કાતિલ ઠંડી વચ્ચે પણ પર્યટકો માઉન્ટ આબુમાં ઉમટી પડ્યા છે. 12 કલાકમાં 35 હજાર પર્યટક ઉમટ્યા છે અને થર્ટી ફર્સ્ટને લઈ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યા છે.
અમેરિકામાં બરફનું તોફાન
આ તરફ અમેરિકામાં બરફના તોફાનના કારણે તબાહી જોવા મળી છે. બરફના તોફાનથી 50થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. ન્યૂયોર્ક આસપાસમાં સૌથી ખરાબ સ્થિતિ છે જ્યારે મોન્ટાનામાં માઈનસ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બરફ વર્ષાના કારણે ન્યૂયોર્કમાં 8 ફૂટ સુધી બરફના થર જામ્યા છે અને બરફના તોફાનના કારણે 1707 ફ્લાઈટ રદ્દ કરાઇ છે. 5.5 કરોડ લોકો વિન્ટર વેધર વોર્નિંગ હેઠળ આવરી લેવાયા છે. અમેરિકામાં ઘણા શહેરોમાં માઇનસ છ ડીગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : શ્રીલંકન માટે નવું વર્ષ લાવી શકે છે સારા સમાચાર, આર્થિક સંકટમાંથી દેશ થઈ શકે છે મુક્ત
જાપાનમાં પણ બરફ વર્ષાના કારણે 17ના મોત થયા છે જ્યારે 93 વ્યક્તિ ઘાયલ થયા છે. બરફ વર્ષાના કારણે જાપાનમાં 20 હજાર ઘરોમાં અંધારપટ છવાયો છે. કેનેડામાં બરફવર્ષાથી 4 લોકોના મોત થયા છે.