રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટતા હાડ થીજવતી ઠંડી અનુભવાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં હાલ ત્રણથી ચાર દિવસ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે.
રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો
રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે.
પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે
ઉતરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડીમાં વધારો થયો છે. પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીને આસપાસ નોંધાયું છે. તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 8.3 ડિગ્રી, અમદાવાદ શહેરમાં 12.2 ડિગ્રી, પંચમહાલ 8.2 ડિગ્રી, છોટાઉદેપુર 10.5 ડિગ્રી, નર્મદા 10.1 ડિગ્રી, વલસાડ 8.6 ડિગ્રી, ડાંગ 9.6 ડિગ્રી, ગાંધીનગર 10.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 10.9 ડિગ્રી, રાજકોટ 10.0 ડિગ્રી, અમરેલી 11.0 ડિગ્રી, ભાવનગર 11.5 ડિગ્રી, પાટણ 9 ડિગ્રી, બનાસકાંઠા 10.7 ડિગ્રી તાપમાન રહ્યું છે.