ચૂંટણી પહેલાં હૈદરાબાદના 15 ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા
હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે વહેલી સવારે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ટાણે રાજ્યમાં દવાઓની ખરીદી અને વેચાણમાં મોટા પાયે ગેરરીતિની ફરિયાદો આવી હતી. હિસાબમાં પણ ચોપડા વગર વ્યવહારો થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ હેરાફેરી અંગે ફરિયાદ મળી હતી. આ મામલો ગંભીર જણાતાં આવકવેરા અધિકારીઓએ કાર્યવાહી કરી હતી.
#WATCH | Income-tax department is conducting raids at various locations in Hyderabad. 15 locations are covered in the ongoing raids pic.twitter.com/mQa6E7wxTl
— ANI (@ANI) November 13, 2023
મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની ટીમ હાલ હૈદરાબાદની એક મોટી ફાર્મા કંપની પર દરોડા પાડી રહી છે. ફાર્મા કંપનીના માલિકના ઘર અને સ્ટાફની ઓફિસની સર્ચ કરવામાં આવી રહી છે. વિભાગની ટીમે ગચીબાઉલીના એક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ નામના શખ્સના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. અધિકારીઓએ તમામ કાગળો અને જરૂરી દસ્તાવેજો તપાસ્યા. આ દરમિયાન કંપનીના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, પ્રદીપ તેલંગાણાના શિક્ષણ મંત્રી સબિતા ઈન્દ્રા રેડ્ડીના નજીકના સંબંધી હોવાનું કહેવાય છે.
આઈટી અધિકારીઓએ 10 ટીમમાં વહેંચાઈને સર્ચ હાથ ધર્યું છે. તેમજ સમગ્ર શહેરમાં 15 અલગ-અલગ સ્થળોએ એક સાથે સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, બે દિવસ પહેલા આવકવેરા વિભાગની ટીમે તેલંગાણામાં કોંગ્રેસના નેતા પોંગુલટી શ્રીનિવાસ રેડ્ડીના ઘરે દરોડા પાડ્યા હતા. રેડ્ડી તાજેતરમાં BRSમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે, આગામી 30 નવેમ્બરે તેલંગાણામાં મતદાન થવાનું છે. તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે રાજ્યના આવક વેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી : ત્રણથી ચાર બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા