આવા ‘તુટેલા’ સંબંધોને સાચવવા કરતા ડિવોર્સ લેવામાં જ સમજદારી!
- લગ્નના સંબંધોમાં એકબીજા માટે પ્રેમ, માન અને દરકાર હોવી જરૂરી
- લગ્ન સંબંઘ ટોક્સિક બની જાય ત્યારે તેમાંથી છુટવુ સારુ
- વૈવાહિક સંબંધોમાં આવતી કેટલીક પરિસ્થિતિમાં ડિવોર્સ જ બેસ્ટ
લગ્નને પવિત્ર સંબંધ કહેવાય છે. વિશ્વાસના સહારે આ વહાણ જિંદગીભર તરી જાય છે, પરંતુ જે સંબંધોમાં વિશ્વાસ ન હોય, પ્રેમ કે દરકાર ન હોય અને એકબીજા માટે માન પણ ન હોય તો આ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી. ભારત જેવા વિકાસશીલ દેશમાં ડિવોર્સને ખરાબ રીતે જોવાય છે. કોઇ સ્ત્રી માટે પોતાની મરજીથી ડિવોર્સ લેવા મુશ્કેલ બની જાય છે.
જોકે ધીમે ધીમે સમયની સાથે આ બાબતમાં પણ પરિવર્તન આવ્યુ છે. હંમેશા લગ્નને બચાવવાની જવાબદારી સ્ત્રીઓ પર જ નાંખવામા આવે છે. ભલે તે ગમે તેટલા ટોક્સિક સંબંધમાં જીવી રહી હોય. સૌથી ખાસ વાત તો એ છે કે ભારતમાં કોઇ પણ લગ્ન સંબંધને ટોક્સિક બનાવવા માટે પતિથી વધુ પરિવારજનોની ભુમિકા હોય છે. જેમાં તેમનો સાથ પતિ આપતો હોય છે. આવા સંજોગોમાં છોકરી સામે એ નક્કી કરવુ મુશ્કેલ બની જાય છે કે તે ડિવોર્સનો નિર્ણય લે કે ન લે. જો વૈવાહિક સંબંધોમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી રહી હોય તો ડિવોર્સ લેવામાં જ સમજદારી છે.
ઘરેલુ હિંસા કે શોષણ
જો કોઇ મહિલા ઘરેલુ હિંસા કે શોષણનો શિકાર બની રહી હોય તો તેણે લગ્નને બીજો ચાન્સ આપવા અંગે બિલકુલ ન વિચારવુ જોઇએ. ભારતમાં ઘણા ઘર એવા છે જ્યાં પતિ શોષણ નથી કરતો, પરંતુ સાસુ-સસરા અને નણંદ તેમાં સામેલ હોય છે. આવા સંજોગોમાં પતિના મૌનને શોષણની સ્વીકૃતિ માની લેવી જોઇએ. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ તાત્કાલિક ડિવોર્સનો નિર્ણય લેવો જોઇએ.
દહેજની માંગણી કરવી
દહેજ લેવુ ભલે ભારતીય કાયદામાં ગુનો ગણાતો હોય, પરંતુ આ બધાની ભારતીય પરિવારો પર ખાસ અસર થતી નથી. દરેક ઘરમાં દિકરીને ભારે-ભરખમ દહેજ આપીને લગ્ન કરાવવામાં આવે છે. આવા સંજોગોમાં લાલચી પરિવાર દહેજની ડિમાન્ડ કરે છે. જો લગ્ન બાદ પણ પિયરથી પૈસા લાવવાનું કહેવામાં આવે તો આવા ઘરમાં ન રહેવુ જોઇએ. આવા સંબંધોમાંથી છુટવુ જરૂરી છે.
માનસિક ત્રાસ
લગ્નના સંબંધોમાં માત્ર શારીરિક તકલીફો આપવામાં આવતી નથી, પરંતુ ક્યારેક મહિલાઓને માનસિક રીતે શોષિત પણ કરવામાં આવે છે. શબ્દોના તીર અને કટાક્ષ દ્વારા દિવસ રાત જો મહિલાઓને હેરાન કરવામાં આવતી હોય તો આવા ઘરમાં રહેવુ મુશ્કેલ બની જાય છે. જો લગ્નના સંબંધોમાં માનસિક શાંતિ ન મળે તો ડિવોર્સ લેવામાં જ ભલાઇ છે.
પતિના એકસ્ટ્રા મેરિટલ અફેર્સ
બધુ સહન કરી શકાય, પરંતુ બિચારા બાપડા બનીને ક્યારેય પતિના એકસ્ટ્રા મેરિટલ અફેર્સને સહન ન કરવા. ઘણી વખત વ્યક્તિ દબાણમાં આવીને લગ્ન તો કરી લે છે, પરંતુ લગ્ન બાદ અફેર ચલાવે છે. જો સંબંધોમાં બેવફાઇ હોય તો આવા સંબંધોને ખતમ કરી દેવા જ યોગ્ય રહેશે.
આ પણ વાંચોઃ Sibling વચ્ચે પ્રેમ જાળવી રાખવો પેરેન્ટ્સના હાથમાંઃ ફોલો કરો આ ટિપ્સ