બનાસકાંઠા: ડીસા શહેરમાં હવે જાહેર માર્ગ ઉપર ઘાસ વેચશો તો ખેર નથી..!
- ડીસા નાયબ કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો
- શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો ઉદ્ભવતા હતા
- પશુઓના હુમલા ની ઘટનાઓ પણ અગાઉ બની હતી
બનાસકાંઠા 03 જુલાઈ 2024 : ટ્રાફિકના પ્રશ્નો અને નાગરિકો ઉપર પશુઓના હુમલાથી ઈજાગ્રસ્ત બનવાની ઘટનાઓને લઈને હવે ડીસા શહેરના જાહેર માર્ગો ઉપર ઘાસ વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે ડીસા નાયબ કલેકટરે ઘાસ વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ડીસા શહેરના મુખ્ય માર્ગો ઉપર ખુલ્લામાં પશુઓ માટે ઘાસ નાખવામાં આવતું હતું. સવારથી જ શરૂ થઈ જતી આ પ્રવૃત્તિના કારણે રખડતા પશુઓ ની અડફેટે રાહદારીઓ અને વાહનચાલકો આવતા હોવાથી ઇજાગ્રસ્ત થવાના ઘટનાઓ બનતી હતી. વળી, ટ્રાફિકના પ્રશ્નો પણ સર્જાતા નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેને લઇને ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કુમારી એન. એચ. પંચાલે ભારતીય નાગરિક સુરક્ષા 2023 ની કલમ 163 અન્વયે મળેલ સત્તાની રૂએ શહેરના મુખ્ય માર્ગો ઉપર ખુલ્લામાં ઘાસ વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ -223 મુજબ ફરિયાદ નોંધવા માટે નાયબ પોલીસ અધિક્ષક થી લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના દરજ્જો ધરાવતા અધિકારીઓને ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું ૨ જુલાઈથી 31 ઓગસ્ટ -‘૨૪સુધી અમલમાં રહેનાર છે.
શહેરના કયા માર્ગો પર ઘાસ વેચવા ઉપર પ્રતિબંધ
- સ્પોર્ટ્સ ક્લબથી શિવનગર રામાપીર મંદિર સુધી
- અંબિકા ચોક થી લાયન્સ હોલ સુધી
- એસ.સી. ડબલ્યુ. હાઇસ્કુલથી અંબિકા ચોક સુધી
- જુના બસ સ્ટેન્ડ થી ગાયત્રી મંદિર સુધી
- દિપક હોટલથી જી.જી. વિદ્યા સંકુલ સુધી
- રેલવે સ્ટેશન ચાર રસ્તા થી એપીએમસી રોડ
- ત્રણ હનુમાન મંદિરથી ઇન્દિરા નગર સુધી
- રામાપીર મંદિરથી પિંક સીટી સુધી
- લાઠી બજાર
- રીસાલા ચોક
- સરદાર બાગથી રેલવે સ્ટેશન સુધી
- ટાફે શો રૂમથી રિલાયન્સ પેટ્રોલ પંપ હાઇવે ની બંને સાઈડના સર્વિસ રોડ.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડઃ વધુ બે અધિકારીનો ભોગ લેવાયો, તત્કાલિન PI વણઝારા અને ધોળા સસ્પેન્ડ