સમૂહ લગ્નોત્સવમાં ટકોરઃ રાજ્યના યુવાનો વ્યસન મુક્ત બને તે ખૂબ જરૂરી છે:મુખ્યમંત્રી
ગાંધીનગર: ભાટ ગામ ખાતે સોળ ગામ રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા માડનાર 25 નવદંપતિઓને સુખી જીવન માટે મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે રાવળ સમાજ સહિત કોઇપણ સમાજના વિકાસ માટે સમાજના નવ યુવાનો વ્યસન મુક્ત બને અને શિક્ષણનો ગ્રાફ સમાજમાં ઉંચો જાય તે ખૂબ જરૂરી છે, તેવું આજરોજ સોળ ગામ રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા ભાટ ગામ ખાતે આયોજિત છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવમાં રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
પ્રભુતામાં પગલા માડનાર 25 નવદંપતિઓને સુખી જીવન માટેની શુભકામનાઓ પાઠવી રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજથી સંસારિક જીવનનો આરંભ કરનાર સહિત ઉપસ્થિત સર્વે રાવળ સમાજના અને સમગ્ર રાજ્યના નવયુવાનો વ્યસન મુક્ત બને તેવી ટકોર પણ કરી હતી. તેમજ પોતાની ભવિષ્યને પેઢીને સારું શિક્ષણ આપી સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાનો ર્દઢ નિર્ધાર કરવો જોઇએ.સમૂહ લગ્નોત્સવનું આયોજન કરનાર સર્વે મંડળના હોદ્દેદારોને અભિનંદન પાઠવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દીકરીનો લગ્ન પ્રસંગ આવે એટલે આનંદ સાથે દીકરીના માતા-પિતાની ચિંતા વઘી જાય છે. સમૂહ લગ્નોત્સવ થકી દીકરીના મા-બાપાના માથા પરનો ભાર હળવો થઇ જાય છે. એટલે જ સમૂહ લગ્નએ સમાજ માટે ચેતના રૂપી મસાલ છે. દીકરીના મા-બાપ સહિત સમાજના સૌ કોઇ ભાઇ-બહેનો ઉત્સાહ અને આનંદથી આ લગ્નોત્સવમાં સહભાગી બને છે. દીકરી એક નહિ બે કુળ તારે છે, તેવું કહી તેમણે સમાજના વડીલોને દીકરી- પુત્રવધુ વચ્ચે કોઇ ભેદ ન રાખવાની પણ અપીલ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, દરેક સમાજને સાથે રાખી અને તેમના હિતની ચિંતા કરીને ગુજરાત સરકાર આગળ ચાલી રહી છે. સોના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ચાલતી આ સરકાર દરેક સમાજના પડખે છે. સૌ સાથે મળી ગુજરાતનો વિકાસ કેવી રીતે થઇ શકે એ માટે વિચારીએ અને પ્રયત્ન કરીએ એવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.
રાજયસભાના સાસંદ નરહરિ અમીને જણાવ્યું હતું કે, સમાજનમાં લગ્ન પ્રસંગે થતાં ખર્ચેને ઘટાડવા માટે સમૂહ લગ્નોત્સવ ખૂબ જરૂરી છે. તેમણે રાવળ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરનાર સર્વે મંડળના સભ્યો અને સમાજના આગેવાનો, દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ 25 નવ દંપતિઓને આજથી આરંભ થતું તેમનું ગૃહસ્થ જીવન સુર્વણ બને તે માટેના આશીર્વાદ આપ્યા હતા. તેમણે રાંઘેજા ખાતે નવનિર્માણ થઇ રહેલ સમાજના શૈક્ષણિક ભવન માટે પોતાની સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 10 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.