જર્જરિત મકાનની અરજી મુદ્દે સુરતના પૂર્વ મેયર પાસે મહિલા કોર્પોરેટરે લાંચ માંગ્યાનો આક્ષેપ
સુરત, 14 ઓગસ્ટ 2024, મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર પાસે જર્જરિત મકાનની અરજી દફતરે કરવા મુદ્દે મહિલા કોર્પોરેટરે લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે કોર્પોરેશનની ઝોન ઓફિસમાં જઈને પૂર્વ મેયરે હંગામો કર્યો હતો.તેમણે જર્જરીત મકાનને મળેલી નોટિસને સગવગે કરવાના નામે રૂપિયા માગવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. અધિકારીઓની ગેરહાજરીને પગલે વૃદ્ધ ચીમનલાલ પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી.
થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી
શહેરનાં અશ્વનિકુમાર રોડ ખાતે આવેલા ભરવાડ ફળિયામાં રહેતા અને સુરત મહાનગર પાલિકામાં સને 1980 દરમિયાન મેયર રહી ચૂકેલા ચીમનલાલ પટેલ દ્વારા ભાજપના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ વિરૂદ્ધ અરજી દફતરે કરવા માટે એક લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે. આ મકાન જર્જરિત હોવાનું જણાવીને વરાછા ઝોનના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમના સંબંધી અને કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આ નોટિસ દફતરે કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ જણાવ્યું હતું.
હું તેમની સામે માનહાનીનો કેસ દાખલ કરવાની છું
બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું કે, ચીમનલાલ પટેલ મારા કાકા સસરા થાય છે. મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે તેઓ આ પ્રકારના વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. જે સંપત્તિની વાત કરી રહ્યા છે, તેમાં મારું કોઈ ઇન્વોલમેન્ટ નથી. અમારા પરિવાર તરફથી તેમને રૂપિયા 75 લાખ આપવાની પણ વાત કરી દેવામાં આવી છે. વડિલોપાર્જિત મિલ્કત સંબંધી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાને કારણે તેઓએ આ પ્રકારના તદ્દન ખોટા આક્ષેપ કર્યા છે. ચીમનલાલ પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી બોલચાલના સંબંધ પણ નથી અને 20 વર્ષ પહેલાં જ તેઓ પરિવાર સાથે અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા. હું તેમની સામે માનહાનીનો કેસ દાખલ કરવાની છું.
આ પણ વાંચોઃસુરતમાં ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત 8મી ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’નો પ્રારંભ