મતદાનના મહત્વને સમજીને લોકોને મતદાન કરવા ઈલેક્શન કમીશને કરી અપીલ
ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહેતા મતદારોને મતદાન પ્રત્યેની ઉદાસીનતા દૂર કરી, પોતાના મતની શક્તિનું મૂલ્ય સમજીને ઉત્સાહપૂર્વક મતદાન માટે બહાર આવવા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદારોએ ખાસ કરીને શહેરી મતદારોએ પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા ઉત્સાહપૂર્વક આગળ આવવું જોઈએ. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર પણ શહેરી અને યુવા મતદારોની ઉદાસીનતા દૂર કરવા વ્યક્તિગત રીતે સતત કામ કરી રહ્યા છે. રાજીવ કુમારે પણ શહેરી મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 63.31 ટકા મતદાન થયું, જે સામાન્ય હોવા છતાં જો પહેલા તબક્કામાં શહેરી વિસ્તારોમાં રહેતા મતદારોએ મતદાનમાં વધારે ભાગીદારી નોંધાવી હોત તો રેકોર્ડ બ્રેકિંગ મતદાન હાંસલ કરવામાં વધારે મદદ થઈ શકી હોત એમ કહીને મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે, જે છેલ્લી ચૂંટણી કરતાં 5.19 ટકા ઓછું છે. જે જિલ્લાઓમાં શહેરી મતવિસ્તારો છે તે જિલ્લાઓમાં પણ શહેરી વિધાનસભા મતવિસ્તાર કરતાં ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન વધુ થયું છે. શહેરી મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન માટે આગળ આવવું જોઈએ.
આ પણ વાંચો;મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર કડક પ્રતિબંધ
પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 82.71 ટકા મતદાન નોંધાયું છે, જે કચ્છ જિલ્લાના શહેરી વિસ્તાર ગાંધીધામ મતવિસ્તાર કરતાં 34.85 ટકા જેટલું વધારે છે. આ આંકડા શહેરી મતદારોની ઉદાસીનતા દર્શાવે છે.
શહેરી મતદારોમાં ઉદાસીનતાની આ ફરિયાદ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. શિમલાથી સુરત સુધી શહેરી મતદારોમાં ઉદાસીનતા જોવા મળી છે. તાજેતરમાં પૂર્ણ થયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન શિમલા શહેરી વિધાનસભા મતવિસ્તારમાં પણ સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં રાજ્યનું સરેરાશ મતદાન 75.6 ટકા હતું જ્યારે શિમલાના શહેરી વિધાનસભા મતદાર વિભાગમાં મતદાનની ટકાવારી 62.53 ટકા હતી ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સુરત, રાજકોટ અને જામનગરમાં પણ શહેરી વિસ્તારોમાં આ જ પ્રકારનું વલણ જોવા મળ્યું છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા મતદાર વિભાગોમાંથી 26 વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાનની ટકાવારી 65 ટકા કરતાં વધુ હતી અને આ તમામ મતદાર વિભાગો ગ્રામ્ય વિસ્તારોના હતા. પી. ભારતીએ શહેરી વિસ્તારોમાં રહેતા મતદારો ખાસ કરીને નોકરીયાત અને વ્યવસાયી નાગરિકોને ઉત્સાહપૂર્વક બહાર આવીને મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી છે.