બોટાદ: સાળંગપુર મંદિરમાં 174માં પાટોત્સવનું આયોજન, દર્શન કરવા શ્રદ્ધાળુંઓ ઉમટ્યા
બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 174માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે પ્રસંગે હનુમાનજી દાદાના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યા હતા તેમજ દાદાના દર્શન કરવા દેશ-વિદેશથી પણ લોકો આવી રહ્યા છે. પાટોત્સવના કાર્યક્મ અંતર્ગત ભવ્ય શણગાર આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેનો લોકોએ લાભ લીધો હતો. તેમજ આજના દિવસે વિશેષ કાર્યક્મ અંતર્ગત દાદાને છડીનો અભિષેક અન્નકૂટ તેમજ મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
મંદિરની સ્થાપનાના 174 વર્ષ પુર્ણ થતા પાટોત્સવનું આયોજન
લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા સાળંગપુરના હનુમાનજીની સ્થાપનાને 174 વર્ષ પુરા થયા છે. ત્યારે આ પ્રસંગે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં ખુબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વહેલી સવારે દાદાની ભવ્ય શણગાર આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભવ્ય મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ હનુમાનજી દાદાની છડીનો અભિષેક તેમજ અન્નકૂટ સહીતના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યુ છે.
મંદિરનો ઈતિહાસ
કષ્ટભંજન દેવની સાળંગપુર ધામ ખાતે સ્થાપના વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. માન્યતા છે કે સાળંગપુરના દરબાર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેમના આંગણે થઈને સંતો ભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે વાઘા ખાચર સંતો ભક્તોની સેવા કરી શકતા નહોતા અને વ્યથિત રહેતા હતા. આવા સમયે ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હું તમને પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરી આપું છું અહી દેશ વિદેશથી કરોડો લોકો પોતાની વ્યાધિ દૂર કરવા આવશે. તે નિમિત્તે જે આવક થાય તેનાથી તમે સંતો ભક્તોની સેવા કરજો. આમ, કહીને તેમણે પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર કારીગરને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું. તેમણે જે ચિત્ર બનાવ્યું હતું તેમાં હનુમાનજીએ શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીએ કર્યા બદ્રીનાથના દર્શન, 5 કરોડનું આપ્યું દાન