સુરતમાં સુરાના અને કંસલ ગ્રુપ પર આવકવેર વિભાગનું સર્ચ, 300 કરોડના શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા
સુરત, 12 ડિસેમ્બર 2023, શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા ગત શુક્રવારે બિલ્ડર્સ અને યાર્નના વેપારીને ત્યાં વહેલી સવારથી દરોડા પાડ્યા હતાં. જ્યાં આજે ચોથા દિવસે પણ આવકવેરા વિભાગની સર્ચની કાર્યવાહી ચાલુ છે. સુરાના અને કંસલ જૂથ સહિત અન્ય વ્યવસાયિક જૂથો પર ચાલી રહેલા સર્ચમાં અત્યાર સુધી આવકવેરા વિભાગે 8 કરોડથી વધુની રોકડ અને બેંક લોકર્સ જપ્ત કર્યા હોવાની માહિતી મળી છે. તે ઉપરાંત 300 કરોડના શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
થોકબંધ હિસાબી દસ્તાવેજો અને ડિજીટલ ડેટા કબ્જે કર્યા
સુરતમાં આવકવેરા વિભાગની DDI વિંગે શહેરના મોટા બિલ્ડર જૂથ સુરાના તથા યાર્નના વેપારી કંસલ જૂથના કુલ 22 જેટલા સ્થળો પર ગત શુક્રવારે વહેલી સવારથી દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્રણ દિવસની તપાસ દરમિયાન આવકવેરા વિભાગે 8 કરોડની રોકડ તથા 20થી વધુ બેંક લોકર્સ જપ્ત કરવા સાથે થોકબંધ હિસાબી દસ્તાવેજો અને ડિજીટલ ડેટા કબ્જે કર્યા છે. જેની વિગત ઈન્કમટેક્સ રિટર્નમાં બતાવવામાં આવી છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.મોટાભાગના વ્યવહારો રોકડમાં થયા હોવાના દસ્તાવેજી પૂરાવા આયકર વિભાગને હાથ લાગ્યા છે.
મોટાપાયે કરચોરી બહાર આવે તેવી સંભાવના
યાર્ન વેપારમાં રાકેશ કંસલના મુખ્યત્વે રિયલ એસ્ટેટમાં કરેલા રોકાણો અને સોદાઓના વ્યવહારોને લગતા દસ્તાવેજોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. વીતેલા વર્ષમાં થયેલા સોદાની પેમેન્ટ કન્ડિશન, પાર્ટીઓ સાથેના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરાના બિલ્ડર જૂથના બાંધકામ પ્રોજેક્ટમાં જમીન ખરીદીથી માંડીને ફ્લેટધારકો પાસેથી મેળવેલા નાણાંકીય અવેજના લગતા હિસાબી વ્યવહારોને તપાસ હાથ ધરાઈ છે. જેમાં મોટા ગજાના બિલ્ડરની એન્ટ્રી પણ મળતાં મોટાપાયે કરચોરી બહાર આવે તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ ઊંઝામાં બનાવટી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૮૯ લાખનો જથ્થો જપ્ત