વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદ, 29 નવેમ્બરઃ ગુજરાતમાં આજે અમદાવાદ, વડોદરા, સુરત સહિતની જગ્યાઓ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તે ઉપરાંત મુંબઈ સહિતની 40થી વધુ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વડોદરામાં વાઘોડિયા GIDCમાં સ્થિત વાયર કેબલનું ઉત્પાદન કરતા આર.આર. કેબલ ગ્રૂપ પર પણ આઈટીનું સર્ચ ઓપરેશ હાથ ધરાયું હતું. વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીના 15 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ત્રાટકી હોવાનું જાણવા મળ્યું હતું.
4 ગાડીઓમાં 15 જેટલા આઈટી અધિકારીઓની ટીમ પહોંચી
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરામાં વાઘોડિયા ખાતેની આર.આર. કેબલ કંપનીમાં આજે વહેલી સવારે 4 ગાડીઓમાં 15 જેટલા આઈટી અધિકારીઓની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. અન્ય ટીમે વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ ખાતે આવેલી કંપનીની હેડ ઓફિસમાં પણ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આઈટીની ટીમ દ્વારા કંપનીની ઓફિસોમાંથી કંપનીમાં થતાં ઉત્પાદન અને વેચાણ અંગેના ડેટા કબજે કરાયા હતા. કંપની દ્વારા ઓફિસના ઇન્ચાર્જ અધિકારીઓ પાસેથી બેંક એકાઉન્ટોની પણ માહિતી મેળવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ દરોડામાં કરોડોનું બિનહિસાબી નાણું મળી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારી, લાંચિયા અધિકારીઓની ફરિયાદો માટે ઓનલાઇન પોર્ટલ લોન્ચ